લમ્પી વાયરસને ડામવા તંત્રની તનતોડ મહેનત : જિલ્લાની પશુ પશુપાલન શાખાની 28 ટીમો દ્વારા પૂરજોશમાં કામગીરી
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 12 ગામોના 130 જેટલા પશુઓમાં રોગચાળો જોવા મળ્યો છે. આ તમામ પશુઓની સરકારી પશુ ચિકિત્સકો દ્વારા સારવાર પણ કરવામાં આવી રહી છે. જો કે, સદભાગ્યે હાલ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના લીધે એક પણ પશુનું મોત થયું નથી.
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 12 ગામોના 130 જેટલા પશુઓમાં રોગચાળો જોવા મળતા તંત્ર દ્વારા આ તમામ પશુઓની સરકારી પશુ ચિકિત્સકો દ્વારા સારવાર પણ કરવામાં આવી રહી છે. તે સાથે લમ્પી વાયરસના પગ પેસારાને ડામવા અત્યાર સુધીમાં જિલ્લાના કુલ-383 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત 14,687 જેટલા પશુઓને કજઉ રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે. લમ્પી વાયરસના પગ પેસારાને ડામવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.
પશુઓનું રસીકરણ, સારવાર નિયંત્રણ-અટકાવના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરાના જણાવ્યા મુજબ, જિલ્લાના સરકારી પશુ દવાખાનાની 11 ટીમો સહિત કુલ – 28 ટુકડીઓ અવિરતપણે કામગીરી કરી રહી છે.
જિલ્લાના તમામ તાલુકાઓના ગામડે- ગામડે ફરીને આ ટુકડીઓ પશુઓના આરોગ્યની તપાસની સાથે રસીકરણ, સારવાર સહિત તમામ અટકાયતી પગલાં લઈ રહી છે. તે સાથે પશુઓના રસીકરણ માટે રાજ્ય સરકારે 15,000 જેટલા રસીના ડોઝ પણ ફાળવી આપ્યા છે. આમ, પશુઓના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે તમામ અટકાયતી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.
આ સાથે ડો. દિલીપ પનારાએ પશુપાલકો-ખેડૂતોને પોતાના પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો જોવા મળે તો ત્વરિત શંકાસ્પદ પશુને અન્ય પશુઓથી અલગ કરવું અને સ્થાનિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ શક્ય તમામ મદદની ખાતરી આપી
લમ્પી વાયરસને ડામવા માટે સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તરફથી 20,000 રસીના ડોઝનું યોગદાન મળ્યું છે. આ સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ પશુઓના આરોગ્ય માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઉપરાંત તેમણે લમ્પી રોગચાળામાંથી પશુઓને ઉગારવા માટે અન્ય દાતાઓને આગળ આવવા માટે અનુરોધ કર્યો છે.
આ ઉપરાંત જિલ્લામાં વધુ રસીના ડોઝ મળે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.