બાળકીને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેની ગર્ભવતી બની ગઈ હોવાનું સામે આવતા મામલો પ્રકાશમાં આવ્યો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં ૧૩ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. ભોગ બનનારને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણી ગર્ભવતી બની ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં આખો મામલો સામે આવ્યો હતો.
કાલાવડ ગ્રામ્ય પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે તે જ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ દુષ્કર્મ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા આદિવાસી શ્રમિક પરિવારની ૧૩ વર્ષની બાળા કે જેને ગઈકાલે એકાએક પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીનું પરીક્ષણ કરાતા તબીબોને ગર્ભવતી બની ગઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તબિબો ચોંકી ઉઠ્યા હતા.
તુરત જ ભોગ બનનાર બાળકીની માતા ને બનાવ અંગેની જાણ કરતા બાળકીને સમજાવટ કરી વિશેષ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પોતાની સાથે તેજ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું હતું.
પરંતુ આ બનાવ અંગે કોઈને કહેશે તો છરીની અણીએ પોતાને તથા પોતાના પરિવારને પતાવી નાખવાની ધમકી આપી હતી, જેથી તે મૌન રહી હતી.
પરંતુ આખરે પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું અને મામલો સામે આવ્યો હતો. ભોગ બનનાર બાળકીની માતાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધતા મહિલા પીએસઆઈ એચ. વી. પટેલે બાળકીની માતાની ફરિયાદના આધારે દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે પોક્સો એક્ટની કલમ તેમ જ દુષ્કર્મ અંગે કલમ હેઠળ ગુનો નોંધાયો છે, અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત બાળકીની જામનગરની જી. જી. હોસ્પિટલમાં તબીબી સારવાર ચાલી રહી છે