સ્મૃતિ ઇરાની, ભુપેન્દ્ર યાદવ, મીનાક્ષી લેખી, કિરણ રિજીજૂ, અર્જુન મુંડા અને ગિરિરાજસિંહ અલગ-અલગ વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરશે
આગામી ત્રણ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટમાં ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો અપાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેને હાંસલ કરવા ભાજપ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આજથી સતત પાંચ દિવસ સુધી મોદી સરકારના પાંચ કેન્દ્રીય મંત્રીઓ વિધાનસભાની 24 વિધાનસભા બેઠકોમાં પ્રવાસ કરશે. તેઓની સાથે સ્થાનિક સાંસદ પણ ઉપસ્થિત રહેશે.
13 કેન્દ્રીય મંત્રીઓના ગુજરાત પ્રવાસનો આજથી આરંભ થશે. આજે પ્રથમ દિવસે કેન્દ્રના વિદેશ તેમજ સંસ્કૃતિ મંત્રાલયના મંત્રી મીનાક્ષીબેન લેખી વ્યારા અને નિઝાર વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ પ્રભુભાઇ વસાવા જોડાશે. પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ તેમજ સહકાર મંત્રાલયના મંત્રી બી.એસ.વર્મા મહેમદાબાદ અને મહુવા વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ જોડાશે. આવતીકાલે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી વિરેન્દ્રકુમાર કલોલ વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ રતનસિંહ રાઠોડ જોડાશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પેટલાદ અને સોજીત્રા વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ મીતેશભાઇ પટેલ જોડાશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ વિરમગામ અને ધોળકા વિધાનસભાનો પ્રવાસ કરશે. તેઓની સાથે મંત્રી-સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા જોડાશે.
સંરક્ષણ તેમજ પ્રવાસન મંત્રાલયના મંત્રી અજયભાઇ ભટ્ટ મોડાસા વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. સાંસદ દીપસિંહ રાઠોડ જોડાશે. શ્રમ અને રોજગાર તેમજ પર્યાવરણ મંત્રાલયના મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાવરકુંડલા અને રાજુલા વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે નારણભાઇ કાછડીયા જોડાશે. કાયદા અને ન્યાય મંત્રાલયના મંત્રી કિરણ રીજીજૂ મહુવા વિધાનસભા બેઠકનો પ્રયાસ કરશે.
8મી ઓક્ટોબરના રોજ સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડો.વિરેન્દ્ર કુમાર હાલોલ વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ ગીતાબેન રાઠવા જોડાશે.
પ્રવાસન અને સંરક્ષણ મંત્રાલયના મંત્રી અજય ભટ્ટ બાયડ વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે દીપસિંહ રાઠોડ જોડાશે. જ્યારે શ્રમ અને ન્યાયમંત્રી કિરણ રિજીજૂ પાલીતાણા વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ ડો.ભારતીબેન શિયાળ જોડાશે.
9મી ઓક્ટોબરના રોજ સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના મંત્રી પ્રતિમા ભૌમિક પાલનપુર વિધાનસભા બેઠકનો પ્રયાસ કરશે. તેઓની સાથે સાંસદ પરબતભાઇ પટેલ જોડાશે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસોના મંત્રાલયના મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્મા ગઢડા અને બોટાદ વિધાનસભાનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ ડો.ભારતીબેન શિયાળ જોડાશે.
જ્યારે 10મી ઓક્ટોબરના રોજ આદિવાસી કલ્યાણ મંત્રી અર્જુન મુંડા ઝાલોદ અને દાહોદ વિધાનસભા બેઠકનો પ્રવાસ કરશે. તેઓની સાથે જશવંતસિંહ ભાભોર જોડાશે. સામાજીક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના મંત્રી પ્રતિમા ભૌમિક સિધ્ધપુરનો પ્રવાસ કરશે. તેઓની સાથે સાંસદ ભરતસિંહ ડાભી જોડાશે. જ્યારે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરીરાજસિંહ સોમનાથ અને ઉના વિધાનસભા બેઠકનો પ્રયાસ કરશે. તેઓની સાથે સાંસદ રાજેશભાઇ ચુડાસમા જોડાશે.