- રાજસ્થાનની સરહદે પીપલોડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત
- 13 લોકોના મોત, 15 ગંભીર રીતે ઘાયલ
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિયજન ગુમાવનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
નેશનલ ન્યૂઝ: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારની મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો . રાજસ્થાનની સરહદેથી લગ્ન સરઘસ લઈને આવી રહેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં પાંચ બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 15 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ભોપાલથી 150 કિમી ઉત્તરમાં અને રાજસ્થાનથી 2 કિમી દૂર આવેલા રાજગઢ જિલ્લાના પીપલોડી નજીક રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. લગ્નના મહેમાનો રાજસ્થાનના મોતીપુરા ગામથી પીપલોડી તરફ જઈ રહ્યા હતા, તેમાંના 30 જેટલા લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં હતા, જ્યારે કેટલાક મોટરસાયકલ પર હતા. પીપલોડી પાસે ટ્રેક્ટર કાબુ બહાર જઈને પલટી મારી જતા કેટલાય લોકો કચડાયા હતા. સ્થાનિક પોલીસ પ્રયાસમાં જોડાય તે પહેલા લગ્નના અન્ય મહેમાનો અને સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું.
કલેક્ટર હર્ષ દીક્ષિતે TOIને જણાવ્યું તે મુજબ અત્યાર સુધી, 13 લોકોના મૃત્યુ અંગેની માહિતી છે. લગભગ 15 લોકો ઘાયલ થયા છે. બે વધુ ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે ભોપાલ રીફર કરવામાં આવ્યા છે. બાકીના રાજગઢ જિલ્લા હોસ્પિટલમાં છે. તેમજ ઘાયલો બોલવાની સ્થિતિમાં નથી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.તેમણે લખ્યું હતું કે મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.