કુદરતી આફતોથી બિમાર પડેલા પ્રવાસન ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપી દેશ-વિદેશના ટુરીસ્ટોને આકર્ષવા મોદી સરકારનો પ્લાન: ઉત્તરાખંડમાં આયોજીત ઈન્વેસ્ટર્સ સમિટમાં ૭૦ હજાર કરોડના રોકાણ પર કરાર થયા

ઉતર ભારતમાં અને હિમાલય પર્વતની દક્ષિણ શ્રૃંખલા પર સ્થિત ઉતરાખંડ રાજય કે જયાં પ્રવાસનને વિકસાવવા કેન્દ્ર સરકારે મોટુ બીડુ ઝડપ્યું છે. આમ તો નદીઓ, ખીણ, પર્વતીય શ્રેણીઓના કારણે ઉતરાખંડ હંમેશાથી ટુરીસ્ટો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું જ છે.

પરંતુ ઉતરાખંડમાં અવાર-નવાર કુદરતી આફતોના કારણે પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડયો છે ત્યારે હવે, ખીણની નગરી તરીકે ઓળખાતા ઉતરાખંડમાં ટુરીઝમ વિકસાવવા કેન્દ્ર અને રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેના પગલે હવે, ઉતરાખંડમાં વધુ ૧૩ નવા હિલ સ્ટેશનો ડેવલપ થશે.

ઉતરાખંડનો ચહેરો જ બદલી તેને ટુરીસ્ટો માટેનું આકર્ષક સ્થળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંઘ રાવતે હાંકલ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ ઉતરાખંડમાં ઈન્વેસ્ટર્સ સમિટ ચાલી રહી છે. રવિવારના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયેલી આ સમીટમાં અધધધ ૭૦ હજાર કરોડ રૂપીયાના રોકાણો પર કરારો થયા છે.

દહેરાદુનના રાયપુર સ્થિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બે દિવસ માટે આ સમીટ યોજાઈ છે. જેમાં વિશ્વભરના દેશોના રોકાણકારો જોડાયા છે. ઉતરાખંડ ઈન્વેસ્ટર્સ સમીટને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશની નામી કંપનીઓને રોકાણ માટે આગળ આવવા આહવાન કર્યું અને કહ્યું કે, ઈઝ ઓફ ડુઈગ બિઝનેસમાં ૪૨ અંકોનો સુધારો થયો છે. ટેકસેશનમાં ૧૪૦૦થી વધારે કાયદા ખત્મ કરાયા છે.

આ તકે ઉતરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંઘ રાવતે કહ્યું કે, ૭૦ હજાર કરોડનું રોકાણ થયું છે જેના દ્વારા ઉતરાખંડમાં ૧૩ નવા હીલ સ્ટેશન વિકસાવાશે કે જેથી કરીને ટુરીસ્ટો માત્ર નૈનીતાલ અને મસુરી જ નહીં પરંતુ આ સાથે ઉતરાખંડના અન્ય સ્થળોની પણ મુલાકાત લે. ફરવાલાયક સ્થળ સહિત સમગ્ર ઉતરાખંડના વિકાસ માટે ઘણી કંપનીઓ રોકાણ માટે આગળ આવી છે.

જેમાં હોસ્પિટેલીટી ફર્મ ઓથો રાજયમાં પર્યટનને બુસ્ટર ડોઝ આપવા રૂપીયા ૫૦૦ કરોડનું રોકાણ કરશે. ઓયો ઉતરાખંડમાં હોસ્પિટાલીટી ઈકો સિસ્ટમ તૈયાર કરશે. આ ઉપરાંત આઈટીસી ૧૪૦૦ કરોડનું રોકાણ કરશે. જયારે મહિન્દ્રા કંપની પણ અહીં જંગી રોકાણ કરી ઈલેકટ્રીક કાર બનાવશે. આ સમીટમાં ભાગ લેતા દેશના ધનકુબેર અનિલ અંબાણીએ ઉતરાખંડનો ડિજીટલ દેવભૂમિ બનાવવાનું આહવાન કર્યું છે અને ૪૦૦૦ કરોડનું રોકાણ કરવાનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.