અવસર એપાર્ટમેન્ટમાં શુક્રવારે 32 કેસો નોંધાયા બાદ શિલ્પ હિસ્ટોરિયામાંથી વધુ 13 કેસો મળી આવ્યા પાણીના ટાંકા, સપ્લાય લાઇન, હેડવર્ક્સ અને બોરમાંથી પાણીના નમૂના લઇ પરિક્ષણ ચાલુ: સમગ્ર વિસ્તારમાં પાણી વિતરણ બંધ કરી દેવાયુ, ટેન્કર દ્વારા લત્તાવાસીઓને અપાતુ પીવાનું પાણી
મેયર ડો.પ્રદિડભાઇ ડવના મત વિસ્તાર એવા વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પુનિતનગર 80 ફૂટ રોડ પર અવસર એપાર્ટમેન્ટ અને દિવાળી પાર્કમાં શુક્રવારે ઝાડા-ઉલ્ટીના 32 કેસો મળી આવ્યા બાદ આજ વિસ્તારમાં આવેલા શિલ્પ હિસ્ટોરિયામાં ગઇકાલે ઝાડા-ઉલ્ટીના 13 કેસો મળી આવતા મહાપાલિકાનું તંત્ર ઉંધેમાથે થઇ ગયું છે. દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું ફાઇનલ મનાઇ રહ્યું છે પરંતુ હજુ સુધી તંત્રને ફોલ્ટ મળતો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા 3 દિવસથી સમગ્ર વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે અને ટેન્કર વાટે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ 4 સ્થળેથી પાણીના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવી રહ્યાં છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવેએ જણાવ્યું હતું કે દૂષિત પાણીના કારણે વોર્ડ નં.12માં પુનિતનગર વિસ્તારમાં અવસર એપાર્ટમેન્ટમાંથી ગત શુક્રવારે ઝાડા-ઉલ્ટીના 32 કેસો મળી આવ્યાં હતા. જેના પગલે છેલ્લા 3 દિવસથી આરોગ્ય શાખા દ્વારા સઘન સર્વે કરવામાં આવી રહ્યો છે. 500થી વધુ ઘરોમાં આરોગ્ય લક્ષી ચકાસણી હાથ ધરવામાં આવી છે.
આજ વિસ્તારમાં શિલ્પ હિસ્ટોરીયા અને ક્રિષ્ના સ્કેવરમાં ઝાડા-ઉલ્ટીના કેસો હોવાની માહિતી મળતાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા શિલ્પ હિસ્ટોરીયામાં 36 ફ્લેટ અને ક્રિષ્ના સ્કેવરમાં વસવાટ કરતા 144 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જે પૈકી 30 લોકોને ઝાડા-ઉલ્ટી થવા હોવાનું માલુમ પડ્યું છે.
હાલ આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા નળ વાટે અપાતુ પાણી 3 દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલ ટેન્કરથી લત્તાવાસીઓને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. અવસર એપાર્ટમેન્ટમાં 6 ટેન્કરો અને શિલ્પ હિસ્ટોરીયામાં 4 ટેન્કરો રોજ આપવામાં આવે છે. આ વિસ્તારમાં 500 ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ડીએમસી આશિષ કુમારે જણાવ્યું હતું કે વોર્ડ નં.12માં પુનિતનગર વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીના કેસો મળી આવ્યા બાદ ગઇકાલે કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં વોટર સપ્લાય માટેની પાંચેય લાઇનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એકપણ લાઇન લીકેજ નથી કે તેમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોવાનુ વાત ધ્યાનમાં આવી નથી. છતાં તકેદારીના ભાગરૂપે અહીં પાણી વિતરણ બંધ કરી દેવાયું છે.
એપાર્ટમેન્ટના બોરના પાણીનું સેમ્પલ, અન્ડરગ્રાઉન્ડ પાણીના ટાંકાના સેમ્પલ, હેડવર્ક્સ ખાતેથી પાણીનું સેમ્પલ અને મહાપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીનું સેમ્પલ લઇ તેનું બેક્ટેરિયલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું છે. જેના રિપોર્ટની હાલ રાહ જોવામાં આવી રહી છે.
રિપોર્ટ આવ્યા બાદ સાચો ખ્યાલ આવશે કે ક્યાં કારણોસર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઇ રહ્યાં છે. હાલ આરોગ્ય શાખાની 6 ટીમો દ્વારા સતત અહીં સર્વે સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને પણ જ્યાં સુધી પાણીના સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાણી ઉકાળીને પીવાની અપિલ કરવામાં આવી છે.
એવી પણ શંકા સેવાઇ રહી છે કે અવસર એપાર્ટમેન્ટ અને શિલ્પ હીસ્ટોરીયામાં પાણીના ટાંકાની સફાઇ ઘણાં વર્ષોથી કરવામાં આવી ન હોવાના કારણે દૂષિત પાણી પીવાથી લોકો ઝાડા-ઉલ્ટીના ભોગ બન્યાં છે. છેલ્લાં 3 દિવસથી અહીં તકેદારીના ભાગરૂપે વિતરણ બંધ છે. સાથોસાથ લોકોને પણ સાવચેતી રાખવા અપિલ કરાઇ રહી છે.