‘કોટની’ના ગાઢ જંગલમાં 60થી વધુ ખુંખાર માઓવાદીઓની બેઠક મળી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો

6 મૃતદેહો, એકે-47 રાફઈલ, બાર બોરની બંદૂકો, 303 રાયફલ સહિતના ઘાતક હથિયારો ઝડપાયા

આજે વિશ્ર્વ આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસે વહેલી સવારે મળસ્કે 5:30ના સુમારે કોટનીના ગાઢ જંગલમાં મીટીંગ ભરી બેઠેલા સાઈઠેક જેટલા ખુંખાર માઓવાદીઓને ઘેરી શરણે આવવાનું દબાણ કરતા સર્જાયેલી અથડામણમાં 13 જેટલા માઓવાદીઓનો ખાત્મો બોલી જવા પામ્યો હતો.

મહારાષ્ટ્ર પોલીસની સી-60 કમાન્ડોની ટીમે ગઢચીરોલી જિલ્લાના કોટની જંગલમાં આજે વહેલી સવારે અત્યાર સુધીનું સૌથી ભીષણ એન્કાઉન્ટર સફળ રીતે પાર પાડ્યું હતું. ગઢચીરોલી ડીઆઈજી સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, કોટની જંગલ વિસ્તારમાં માઓવાદીઓની મીટીંગ ચાલતી હોવાની બાતમી મળી હતી. સી-60 કમાન્ડોની ટીમે વહેલી સવારે 5:30 વાગ્યે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. માઓવાદીઓએ એકાએક પોલીસ પર ફાયરીંગ શરૂ કર્યું હતું અને જોત-જોતામાં બન્ને તરફથી ધાણીફૂટ ગોળીઓનું યુદ્ધ છેડાઈ ગયું હતું. લગભગ એકાદ કલાક ચાલેલી એન્કાઉન્ટરની આ યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ જીવતા રહેલા માઓવાદીઓએ હથિયાર હેઠા મુકી જંગલની જાળીઓમાં ભાગી ગયા હતા. એસ.પી.અંકીત ગોયલે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા માઓવાદીઓના મૃતદેહો કબજે લેવાયા છે. આજે સર્જાયેલા એન્કાઉન્ટર પૂર્વે બે મહિના અગાઉ 43 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવનાર બે માઓવાદીઓને આ જ જિલ્લામાં ઠાર કરવામાં આવ્યા હતા. કોટની જંગલમાંથી પોલીસે માઓવાદીઓના 13 મૃતદેહો, એકે-47 રાફઈલ, બાર બોરની બંદૂકો, 303 રાયફલ સહિતના ઘાતક હથિયારો મળી આવ્યા હતા. ગઢચીરોલી પોલીસના હાથે ખોબરમંડા જંગલ વિસ્તારમાં 13 માઓવાદીઓનો ખાતમો થયો હતો. 40 થી 50 માઓવાદીઓ સાથે થયેલી પોલીસની ટક્કરમાં 2 થી અઢી કલાકમાં ખેલ ખત્મ કરી નાખવામાં આવ્યો હતો. આ અગાઉ પોલીસે આ જ જિલ્લામાંથી માઓવાદીઓ પાસેથી 3 પ્રેસર કુકર બોમ્બ ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.