600થી વધુ લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા : હજુ મૃત્યુઆંક વધવાની દહેશત
નવી મુંબઈના ખારઘરમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ દરમિયાન એક હચમચાવી નાખતી ઘટના બની. સમારંભમાં હાજરી આપવા આવેલી ભીડમાંથી 13 લોકોના ગરમીના કારણે મોત થઈ ગયા. જ્યારે 600થી વધુ લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા. મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, હોસ્પિટલમાં એડમિટ કરાયેલા લોકોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીનિયર સામાજિક કાર્યકર્તા ડો. દત્તાત્રેય નારાયણને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ એનાયત કર્યો. પદ્મ એવોર્ડથી સન્માનિત ડો. નારાયણને અપ્પા સાહેબ ધર્માધિકારના નામથી પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારે ડો. અપ્પા સાહેબ ધર્માધિકારને વર્ષ 2022નો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના સંસ્કૃતિ મંત્રી સુધીર મુંગંરીવાર અને ડો. ધર્માધિકારીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતથી 20 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકો માટે બેસવાની વ્યવસ્થા ખુલ્લામાં કરાઈ હતી અને કોઈ શેડ ન હતો.
લોકોને 6 કલાક કરતા વધુ સમય ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું. જેના કારણે ઘણા લોકોને ગરમીની અસર થઈ ગઈ હતી અને તેમાં 13 લોકોના મોત નીપજ્યાં હતા અને 600થી વધુને હીટસ્ટ્રોક લાગી જતા હડકંપ મચી ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, જે લોકોએ કાર્યક્રમ દરમિયાન ગરમીથી સમસ્યા અંગે જણાવ્યું તેમને તાત્કાલિક કાર્યક્રમ સ્થળે બનાવાયેલા 30 મેડિકલ બૂથોમાં રિફર કરાયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13 લોકોના મોતની થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે, કેમકે ગરમીના કારણે લોકોના મોત થવા લાગતા કાર્યક્રમના સ્થળે નાસભાગ પણ મચી હતી અને તેમાં ઘણા ઘાયલ થયા છે.
ખારઘરના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનું આયોજન ઘણું ખરાબ હતું. કેટલાક લોકો તો બે દિવસથી આ મેદાન પર હતા. રવિવારે બપોરે તપતા સૂર્યની નીચે લાખો લોકો કોઈ સુરક્ષા વિના બેઠા હતા. સામાજિક કાર્યકર રાજીવ મિશ્રાએ કહ્યું કે, સરકારના અણધડ આયોજનના કારણે લોકોના મોત થયા છે.
શું છે ભૂષણ એવોર્ડ? : ક્યારથી થઇ હતી શરૂઆત?
રાજ્યમાં 1995માં શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર સત્તામાં આવી તે પછી મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની શરૂઆત કરાઈ હતી. શરૂઆતમાં આ એવોર્ડ સાહિત્ય, ખેલ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન આપનારા લોકોને અપાયો હતો, પરંતુ બાદમાં તે સામાજિક કાર્ય, પત્રકારિતા, જાહેર વહીવટ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્ર માટે પણ આપવાનું શરૂ કરાયું હતું.
મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખના વળતરની જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, હોસ્પિટલમાં એડમિટ કરાયેલા લોકોને યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. હાલ અનેક લોકોની સારવાર ચાલી રહી છે અને અમુક લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તબીબોની ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે.