કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની ચીમકીના પગલે સિવિક સેન્ટર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
શહેરનાં વોર્ડ નં.૧૩માં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા મહાપાલિકામાં સિવિક સેન્ટરમાં લાઈબ્રેરી માટે ફાળવવામાં આવેલી જગ્યા પર છેલ્લા એક દસકાથી પણ વધુ સમયથી આવાસ યોજના વિભાગનો કબજો છે જે ખાલી કરવા માટે વોર્ડનાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું અન્યથા કચેરીએ કર્મચારીઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે સવારે સિવિક સેન્ટર ખાતે તાળાબંધી કરે તે પૂર્વે જ કોંગ્રેસનાં કોર્પોરેટર સહિત ૧૩ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વોર્ડ નં.૧૩માં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા સિવિક સેન્ટર ખાતે લાયબ્રેરીની જગ્યા પર આવાસ યોજના વિભાગનાં કબજાનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા આશ્ર્ચર્યજનક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. સવારે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર સહિતનાં લોકો કચેરી ખાતે તાળાબંધી કરવા પહોંચી ગયા હતા જોકે તેઓ સિવિક સેન્ટરમાં પગ મુકે તે પૂર્વે જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જાગૃતિબેન ડાંગર, પ્રભાતભાઈ ડાંગર, કમલેશ કોઠીવાર, અશ્ર્વિનભાઈ બકુત્રા, ગેલાભાઈ મુછડીયા, સરોજબેન રાઠોડ, મેપાભાઈ કણસાગરા, હેમલ પેશીવાળીયા, હેમંત પરમાર, જયંતીભાઈ રાઠોડ, ઈલ્યાસભાઈ પીપરવાડીયા, હરેશભાઈ ડોડીયા અને સુલતાનભાઈ ધાડાની અટકાયત કરી લેવામાં આવી છે. કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે એવી હાંકલ કરી હતી કે, જયા સુધી વોર્ડનાં લોકોને લાઈબ્રેરી સોંપવામાં આવશે નહીં ત્યાં સુધી કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં અધિકારીઓ સામે વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.