પૂર્વ કચ્છમાં સીઆઇડી ક્રાઈમની ટુકડીએ સપાટો બોલાવીને તેલચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ટીમે ૧.૧૦ કરોડના ખાદ્ય તેલના જથ્થા સાથે કુલ ૨ કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરવા સાથે ૧૩ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડયા છે સાથે ત્રણ માસ્ટર માઈન્ડ ઇસમોના નામ ખુલ્યા છે
પૂર્વ કચ્છના ગાંધીધામ નેશનલ હાઇવે પર વરસાણા ચોકડી પાસે ગત મોડી રાત્રે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટુકડીએ દરોડો પાડીને તેલચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.આરોપીઓ ટ્રકના ટ્રાન્સપોર્ટર સાથે મળીને બંદરમાંથી આવતું તેલ ચોરી કરતા હતા અને બાદમાં તેનું વેચાણ કરવાની ગેરકાનુની પ્રવુતિ કરતા હતા તેલચોરી ની વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ આજે સીઆઇડી ક્રાઈમ ની ટુકડીએ અહીં સપાટો બોલાવ્યો હતો અને રંગેહાથ થતી તેલચોરી ઝડપી પાડી હતી.
પોલીસે સ્થળ પરથી તેલચોરી કરતા ૧૩ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા સાથે જ ૬ ટેન્કરમાં સંગ્રહ કરાયેલું ૧.૧૦ કરોડનું ખાદ્ય પામોલિન અને દિવેલા નું તેલ જપ્ત કર્યું હતું તેમજ ૮.૫૦ લાખની રોકડ , ૧૭ મોબાઈલ , ૬ ટેન્કર , બે કાર , તેલ ચોરી કરવાના અને સંગ્રહ કરવાના સાધનો સહિત કુલ ૨ કરોડ ૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે ૧૩ ઇસમોની પૂછપરછ માં તેમના માસ્ટર માઈનડના નામ ખુલવા પામવા છે જેમા કુખ્યાત ભરત કરશન આહીર , ઈલિયાસ અને જયેશ આહીરનો સમાવેશ થાય છે આ ત્રણેય શખ્સો તેલચોરી કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર છે જે સ્થળ પરથી ફરાર છે જેમને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે , સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા કચ્છમાં તેલચોરી પર પ્રથમ વખત સપાટો બોલાવવામાં આવ્યો છે અને અધધ કહી શકાય તેમ ૨ કરોડનો મુદામાલ જપ્ત કરાયો હોવાનું સંભવત કચ્છમાં પ્રથમ વખત બન્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.પૂર્વ કચ્છમાં તેલચોરી બેલગામ બની છે સ્થાનિક પોલીસ દ્વારા નાના દરોડા પાડવામાં આવતા હોય છે પરંતુ પ્રથમ વખત મોટો દરોડો પાડવામાં આવ્યો છે જેનાથી અન્ય તેલચોરી કરતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી છે