‘માથું બહુ દુ:ખે છે, સોરી પપ્પા મને માફ કરજો’ લખી સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પૂર્વે જ જીવન ટૂંકાવ્યું
જેતપુરના કેરાડી ગામની યુવતી રાજકોટ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી’તી
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી ટેમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12ની સાયન્સની વિદ્યાર્થીનીએ ઈમોશનલ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી છે. મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ’માથું બહુ દુખે છે, સોરી પપ્પા મને માફ કરજો’ લખી સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષા પૂર્વે જ જીવન ટૂંકાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામે રહેતી અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી એમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી દેવાંશી પરસોતમભાઈ સરવૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગઇ કાલે સાંજે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.એન.બોદર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. મૃતક દેવાંશી સરવૈયા રાજકોટમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગઇ કાલે સાંજે તેણીએ ઈમોશનલ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
પોલીસે સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે યુવતીના આપઘાત અંગે હોસ્ટેલના સંચાલકોની પણ પૂછપરછ કરી હતી અને પોલીસે વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું સચોટ કારણ જાણવા માટે પણ તપાસ હાથધરી છે. ગામડે રહેતા પરિવારને દેવાંશીના આપઘાત અંગે જાણ થતાં શોકનો માહોલ છવાયો છે.
વિદ્યાર્થીનીની શબ્દશ: ઈમોશનલ સ્યુસાઇડ નોટ
ગુડ બાય એન્ડ સોરી, મને કાંઈ વાંધો જ નથી, પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, સોરી પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. બાય આઇ લવ યુ મોમ એન્ડ ડેડ એન્ડ ભાઈ