ચૂંટણીના એજન્ડામાં એક મહિના જેટલો વિલંબ : ચેરમેન બનશે કોણ? ભારે ઉત્તેજના
રાજકોટ ડેરીની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ૧૨ ઓક્ટોબરે યોજાનારી ચેરમેનની ચૂંટણીનો એજન્ડા બહાર પડી જતાં સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજના વ્યાપી છે. જો કે આ એજન્ડા એકાદ મહિના જેટલો વિલંબ થયો છે.
હાલ રાજકોટ ડેરીના ચેરમેનપદે ગોવિંદ રાણપરીયા કાર્યરત છે ત્યારે આગામી ચૂંટણીમાં રાણપરીયા ઝંપલાવે છે કે પછી કોઈ અન્યને તક આપે છે તેના ઉપર પણ સૌની મીટ મંડરાયેલી છે. બીજી બાજુ આ ચૂંટણીમાં ભારતીય કિસાન સંઘ વતી પણ ઉમેદવારી નોંધાય તેવી પૂરેપૂરી સંભાવના હોવાને કારણે ચૂંટણીમાં નવાજુની સર્જાવાની છે. છેલ્લા થોડા દિવસોથી ભારતીય કિસાન સંઘ દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલા આક્ષેપોને કારણે આ ચૂંટણી પૂર્વે જ ભારે રોચકતા જાગી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી સમગ્ર સૌરાષ્ટ્રમાં આગવું નામ ધરાવે છે. તાજેતરમાં જ રાજકોટ લોઘીકા સંઘની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને-સામને આવી ગયા હતા ત્યારે રાજકોટ ડેરીની ચૂંટણીમાં પણ આ ઘટનાનું પુનરાવર્તન થાય તેવુ લાગી રહ્યું છે. હવે આ ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનું શરૂ થશે ત્યારે તેમાં કયા દિગ્ગજો મેદાનમાં આવે છે તેના ઉપર સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમજ અન્ય અગ્રણીઓની મીટ મંડરાયેલી છે.