જિલ્લાના ટંકારા,વાંકાનેર અને માળીયા તાલુકાના ખેડૂતોને સૌથી વધુ નુકશાન:૧૧૯૫૦ ખેડૂતોને સહાય આપવમાં આવી

મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે ટંકારા અને માળિયા પંથકમાં અતિવૃષ્ટિ થવા પામી હતી તેમજ અન્ય તાલુકામાં પણ ખેડૂતોને પાકની નુકશાની અને જમીન ધોવાણથી થયેલ નુકશાની માટે સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને સહાય ચુકવવામાં આવી રહી છે જેમાં જિલ્લાના પાંચેય તાલુકાના કુલ ૧૧૯૫૦ ખેડૂતોને ૧૨૯૩. ૮૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.

મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા દ્વારા ખેતી નુકશાની સર્વે માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં માળિયા તાલુકાના ૧૦ ગામો, ટંકારાના ૪૨ ગામો, હળવદના ૧૬ ગામો, મોરબીના ૧૧ ગામો અને વાંકાનેરના ૪૫ ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો અને કુલ ૨૦,૦૨૩ ખેડૂતોની પાક નુકશાની તેમજ જમીન ધોવાણ નુકશાની સહાય માટેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તાકીદે સહાયની રકમ મળી રહે તે માટે તંત્ર દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેને પગલે તા. ૨૮ સુધીમાં માળિયા તાલુકાના ૨૩૯૭ ખેડૂતોને ૩૪૮.૦૯ લાખ, ટંકારા તાલુકાના ૧૯૧૭ ખેડૂતોને ૧૧૪.૯૧ લાખ, હળવદ તાલુકાના ૩૧૦૯ ખેડૂતોને ૪૦૪.૩૭ લાખ, મોરબી તાલુકાના ૫૮૫ ખેડૂતોને ૭૯.૬૭ લાખ અને વાંકાનેર તાલુકાના ૩૯૪૨ ખેડૂતોને ૩૪૬.૭૬ લાખ મળીને કુલ ૧૨૯૩.૮૦ લાખની સહાયની ચુકવણી કરવામાં આવી છે.

આમ,મોરબી જીલ્લાના પાંચ તાલુકાના કુલ ૧૧૯૫૦ ખેડૂતોને ૧૨૯૩.૮૦ લાખની સહાયની ચુકવણી કરી દેવામાં આવી હોવાનું જીલ્લા ખેતીવાડી અધિકારી ગજેરાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.