150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોકમાં કોમર્શિયલ હેતુના અનામત પ્લોટ પર ખડકાયેલી બે ઓરડી અને ધોળકીયા સ્કૂલ પાછળ રહેણાંક હેતુના પ્લોટ પર 40 ઝુંપડાઓ હટાવાયા
મ્યુનિ.કમિશનર અમિત અરોરાના આદેશના પગલે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાણિજ્ય અને કોમર્શિયલ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરી 129 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે ટીપી શાખા દ્વારા શહેરના વોર્ડ નં.1 અને વોર્ડ નં.11માં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોકમાં વન વર્લ્ડની બાજુમાં ટીપી સ્કિમ નં.9 (રાજકોટ)ના અંતિમ ખંડ નં.સી-7માં વાણિજ્ય હેતુ માટેના અનામત એવા 12533 ચો.મી.ની જમીન પર ખડકાયેલી બે ઓરડીના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
અંદાજે 100 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ટીપી શાખાનો કાફલો 150 ફૂટ રીંગ રોડ પર ધોળકીયાની સ્કૂલની પાછળ રામપાર્કની બાજુમાં ટીપી સ્કિમ નં.7 (નાનામવા)ના અંતિમ ખંડ નં.3/એ રહેણાંક હેતુના પ્લોટમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ત્રાટક્યો હતો. અહિં 40 જેટલા ઝુંપડાઓ દૂર કરી 29 કરોડની આશરે 4900 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
40 ઝૂંપડાઓ તોડી પાડવામાં આવતા કાતિલ ઠંડીમાં સેક્ધડો ગરીબો બેઘર બની ગયા હતાં. ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ અને વીજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.