રાજકોટ પૂર્વમાં 8, રાજકોટ પશ્ર્ચિમમાં 8 રાજકોટ દક્ષિણમાં 13, અને રાજકોટ ગ્રામ્યમાં 11 ઉમેદવારો વચ્ચે ફાઇટ: જિલ્લાની આઠ બેઠકો માટે કુલ 65 ઉમેદવારો મેદાનમાં મોટાભાગની બેઠકો પર ત્રિ પાંખીયો જંગ
રાજકોટ શહેરની ચાર બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહિત કુલ 40 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. શહેરના 12,78,170 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિને ચૂંટશે. જિલ્લાની 8 બેઠકો પર કુલ 68 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
68- રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર કુલ આઠ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં છે આ બેઠક પર 2,97,585 મતદારો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલભાઇ ભૂવા વચ્ચે મુખ્ય ટકકર છે. શહેરની તમામ ચારેય બેઠકો પૈકી રાજકોટ પૂર્વે બેઠક પર સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે.
69- રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર શહેરની ચારેય બેઠકો પૈકી સૌથી વધુ 13 ઉમેદવારો ચુેંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 3,54,313 મતદારો છે. ભાજપના ઉમેદવાર તરીકે ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર મનસુખભાઇ કાલરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દિનેશભાઇ જોશી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. હાલ આ બેઠકના ધારાસભ્ય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે.
70- રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર આઠ ઉમેદવારોએ ધારાસભ્ય બનવા માટેની દાવેદારી નોંધાવી છે. આ બેઠક પરના 2,58,813 મતદારો આ આઠ ઉમેદારોનું રાજકીય ભાવી આવતીકાલે ઇવીએમમાં શીલ કરશે. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર સતત ભાજપ જીતી રહ્યું છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આ વખતે જાણીતા ઉઘોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઇ વોરા અને આમ આદમી પાર્ટીમાંથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસિયા ચુંટણી લડી રહ્યા છે.
71- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર સૌથી વધુ 3,67,459 મતદારો છે. વર્ષોથી આ બેઠક પર ભાજપનું એક હથથુ સામ્રાજય રહ્યું છે. આ વખતે ભાજપે આ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશભાઇ બથવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા મેદાનમાં છે.
રાજકોટ જિલ્લાની અન્ય ચાર બેઠકોની વાત કરવામાં આવે તો જસદણ, વીંછીયા બેઠક પર છ ઉમેદવારો, ગોંડલ બેઠક પર ચાર ઉમેદવારો, જેતપુર- જામકંડોરણા બેઠક પર 8 ઉમેદવારો અને ધોરાજી – ઉપેલટા બેઠક પર સાત ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લાની કુલ આઠ બેઠકો માટે 65 ઉમેદવારો મેદાનમાં છે જિલ્લામાં કુલ 23,07,237 મતદારો છે.