ટેક્સ રિકવરી સેલ રચવા ધમધમાટ: આજથી પ્રોફેશનલ ટેક્સની નોટિસો ફટકારવાનું શરૂ
વારંવાર તાકીદ કરવા છતાં વેરો ભરપાઈ કરવાની તસ્દી ન લેનાર રીઢા બાકીદારો સામે હવે કોર્પોરેશન પઠાણી ઉઘરાણી હાથ ધરશે. 2.75 લાખ બાકીદારો પાસે વર્ષોથી વેરા પેટે 1200 કરોડથી પણ વધુ વેરો બાકી નીકળે છે જે વસુલવા ટેક્સ રિકવરી સેલ ઉભો કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રોફેશનલ ટેક્સ ન ભરનાર બાકીદારોને પણ આજથી નોટિસ ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વર્ષોથી કરોડો રૂપિયાનો વેરો વસુલવા માટે ટેક્સ રિકવરી સેલ ઉભો કરવાની જાહેરાત કરાયા બાદ હવે આ સેલની રચના માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં 2.75 લાખ કરદાતા એવા છે જેઓએ વર્ષોથી વેરા પેટે એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી. બાકીવેરો અને તેના પર ચડેલુ વ્યાજની ગણતરી કરવામાં આવે તો આ રકમ 1200 કરોડની આસપાસ પહોંચી જવા પામે છે. હવે આગામી દિવસોમાં રિકવરી સેલ ઉભો કરી બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવશે અને મિલ્કત સીલીંગ અને જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.બીજી તરફ આજથી પ્રોફેશનલ ટેકસની નોટિસ ફટકારવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રોફેશનલ ટેક્સનો ટાર્ગેટ પૂર્ણ કરવા સંબંધીત અધિકારીઓને પણ મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા તાકીદ કરવામાં આવી છે. નવા રજિસ્ટ્રેશન માટે પણ તપાસ કરવા જણાવી દેવામાં આવ્યું છે. વકીલ, ડોકટર સહિતના એવા લોકો કે જે ઓ પ્રોફેશન ટેકસ ભરવા માટે લાયક છે તેઓને પણ નોટિસ ફટકારવાનું જણાવાયું છે. ટૂંક સમયમાં હવે કોર્પોરેશન વર્ષોથી જડત વેરો વસુલવા માટે હાર્ડ રિકવરીનો દૌર શરૂ કરશે.