સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૨૬ કર્મચારીઓને ચાલુ માસના પગારમાં જ સાતમા પગારપંચનો લાભ મળશે: અધ્યાપકોમાં ખુશીની લહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. કાયમી અધ્યાપક તરીકે યુનિવર્સિટીના અલગ-અલગ ભવનમાં ફરજ બજાવતા ૧૨૬ કર્મચારીઓને ચાલુ માસના પગારમાં જ સાતમા પગારપંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી દ્વારા અધ્યાપકોને સાતમાં પગારપંચની ભેટ આપવામાં આવતા અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય મેહુલ ‚પાણીએ આ બાબતે હકારાત્મક અભિગમ દાખવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાતમું પગારપંચ અમલી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ પ્રો.જયદિપસિંહ ડોડીયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અનેકવાર સાતમાં પગારપંચનો લાભ આપવા માટે રજુઆત કરેલી હતી. યુજીસી ન્યુ દિલ્હી દ્વારા આ અંગેનો પરીપત્ર પણ ગુજરાત સહિત તમામ રાજયોની સરકારને મોકલી આપવામાં આવ્યો છે. ગુજરાતમાં મોટાભાગના કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ અગાઉથી જ મળી ગયો હતો જોકે યુનિવર્સિટીમાં સાતમાં પગારપંચનો લાભ અધ્યાપકોને મળે તે માટે પ્રો.ડોડીયા દ્વારા મુખ્યમંત્રી ‚પાણી તેમજ શિક્ષણમંત્રી ચુડાસમાને અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જોકે ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓને ચાલુ માસના પગારમાં સાતમાં પગારપંચનો લાભ આપી દેવામાં આવ્યો છે. પ્રો.જયદિપસિંહ ડોડીયાની અનેકવાર રજુઆત પણ આજે સાચી પુરવાર થઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાયમી અધ્યાપક તરીકે યુનિવર્સિટીના અલગ-અલગ ભવનમાં ફરજ બજાવતા ૧૨૬ કર્મચારીઓને ચાલુ માસના પગારમાં જ સાતમાં પગારપંચનો લાભ આપી દેવામાં આવ્યો છે અને ગુજરાતની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાતમો પગારપંચ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓમાં હરખની લાગણી જોવા મળી રહીછે.