પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં પ્રભાવિત પશુઓને વેક્સિનને પ્રાથમિકતા
પશુઓમાં હાલ લમ્પી વાઇરસનો ચેપ ફેલાતા રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન સહિતની કામગીરી અસરકારક રીતે શરુ કરાવી દીધેલી છે. રાજકોટ જિલ્લા પશુપાલન નાયબ નિયામકશ્રી ડો. કે.યુ.ખાનપરાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં લમ્પી સ્કીન રોગના 126 કેસ નોંધાયા છે. ખાસ કરીને જે વિસ્તારમાં આ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન ઝડપી બનાવ્યું હોવાનુ તેઓએ જણાવ્યુ છે.
હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા હોઈ આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સીનના ડોઝ છેલ્લા દસ દિવસમાં અપાઈ ચુક્યાનું પણ ડો. ખાનપરાએ જણાવ્યું છે.
આ ઉપરાંત 1962 મોબાઈલ પશુ દવાખાનાને પણ લમ્પી વાયરસથી અસર ગ્રસ્ત પશુઓની સારવારમાં જોડી દેવામાં આવેલી છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાયેલા હોવાનું પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.
ખાસ કરીને પશુપાલકો આ રોગ અંગે જાગૃત બને તે માટે ગામમાં બેનર્સના માધ્યમથી તકેદારી અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ અર્થે વિગતો આપવામાં આવી રહી છે .
અધિકારીના જણાવ્યા મુજબ આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુર્તજ સારવાર માટે નજીકના દવાખાનમાં જાણ કરવી.
ડો. ખાનપરાના જણાવ્યા મુજબ આ રોગની સમયસર સારવાર કરાવવાથી જોખમી નથી તેમજ પશુઓને વેક્સીન સંક્રમિત પશુઓના આસપાસના વિસ્તારમાં જરૂરી હોઈ તેટલા જ વિસ્તારના પશુઓને પ્રાથમિકતાના ધોરણે આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.