ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરને બાનમાં લીધું છે. વિશ્ર્વના મોટાભાગના દેશો કોરોના સંક્રમણના કારણે ભાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ તમામ દેશો કોરોનાની મહામારી માટે ચીનને જવાબદાર માની રહ્યા છે. જેથી વૈશ્ર્વિક વેપાર જગતમાં મોટો હિસ્સો ધરાવતા ચીનની વિશ્વાસનીયતા તળીયે જવા પામી છે.
રાજય સરકારના આ નિર્ણયને જીસીસીઆઈના પ્રમુખ દૂર્ગેશ બુચે આવકારતા જણાવ્યું હતુ કે અમો પહેલેથી કાર્યરત ઉદ્યોગો માટે રાહત પેકેજની અપેક્ષશ રાખી છે. પરંતુ હજુ સુધી રાજય સરકારે કોઈ પણ જાહેરાત કરી નથી અમોને આશા છે કે પહેલેથી કાર્યરત ઉદ્યોગો કે જે હાલમાં ખરાબ સ્થિતિમાં છે તેને મદદરૂપ થઈ શકાય.
અનેક વિદેશી કંપનીઓ ચીનમાંતી પોતાના રોકાણને સમેટી રહી છે. જેથી આ સ્થિતિમાં ભારત માટે ઉદ્યોગ જગતમાં વિશ્ર્વ ગૂરૂ બનવા વિશાળ તક ઉભી થવા પામી છે. તેમાં પણ ગુજરાત રાજય પહેલેથી ઔદ્યોગિક ક્ષેત્રેને પ્રોત્સાહન આપવામાં આગવી નામના ધરાવે છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણને આકર્ષવા રાજયની રૂપાણી સરકારે ૧૨૦૦ લોકો રોજગારી આપે તેવા નવા ઉદ્યોગો સુધી લેબર લોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીના કારણે ઊભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના લેબર લોમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય ગઈકાલે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશીયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું છે કે આગામી સમયમાં ૧૨૦૦ રોજગારી આપે તેવા નવા એકમોને લેબર લોમાંથી મુક્તિ અપાશે. જોકે, આ છુટછાટમાં લઘુત્તમ વેતન અને શ્રમિકોની સલામતીને લગતા કાયદામાંથી મુક્તિ મળશે નહીં, તેવી ભારપૂર્વક સ્પષ્ટતા તેમણે કરી હતી. નવા રોકાણો થકી જ્યારથી ઉત્પાદનનો આરંભ થાય ત્યારથી ૧૨૦૦ દિવસ ગણાશે. રોકાણકારે શ્રમિકોને પ્રવર્તમાન લઘુત્તમ વેતન આપવું પડશે અને જો કોઈ દુર્ઘટના થાય તો લેબર લો મુજબ વળતર આપવાનું રહેશે.
મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે હાલ ચીનમાંથી જાપાન, તાઈવાન અને અમેરિકાની જુદી જુદી કંપનીઓ પોતાના રોકાણોને અન્યત્ર ખસેડવા વિચારે છે અને તે ભારતમાં રોકાણો કરે એમ છે ત્યારે આવી કંપનીઓનો સંપર્ક કરવા ગુજરાતના વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપી છે એમને આમંત્રણ પણ મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આપણે વિવિધ એમ્બસીને પણ સંપર્ક કરી ગુજરાતમાં ૩૩ હજાર હેકટર જમીન ઉપર તેઓ પોતાના એકમો પ્લગ એન્ડ પ્રોડકશન પધ્ધતિથી કરી શકે તેવી તૈયારી કરી છે તેની જાણકારી પણ મોકલવામાં આવી છે. રાજ્યમાં ધોલેરા, સાણંદ, બેચરાજી સહિતના એસઆઈઆર તથા જીઆઇડીસીમાં આ રોકાણો આવે અને રાજ્યમાં નવી રોજગારીની તકો ઉભી થાય એવા પ્રયાસો શરૂ કર્યા છે.