મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન આયોજિત ૧૩મી સ્કિલ એવોર્ડ સેરેમનીમાં એજયુકેશન ફિલ્ડ સિવાયના ક્ષેત્રોમાં સિધ્ધિ મેળવનાર ક્ષત્રીય યુવાનોનું શંકરસિંહ વાઘેલા, ચારણસંત પાલુભગત, ગજેન્દ્રસિંહ શેખાવત, શકિતસિંહ ગોહિલ, જયદ્રથસિંહ પરમાર અને અશોકસિંહ પરમારના હસ્તે બહુમાન કરાયું : નેશનલ ડિફેન્સ એકેડમી વિશે અપાઈ વિશેષ માહિતી
મહારાણા પ્રતાપ ૧૩મી સ્કિલ એવોર્ડ સેરેમનીની ઉજવણી હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવી હતી. સેરેમનીમાં એજયુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રોમાં સિધ્ધી મેળવનારા ૧૨૦ ક્ષત્રીયોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે શંકરસિંહ વાઘેલા, ચારણસંત પાલુભગત, ગજેન્દ્રસિંહ શેખાવત, શકિતસિંહ ગોહિલ, જયદ્રથસિંહ પરમાર અને અશોકસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન આયોજીત આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રીય સમાજની ભૂતકાળથી લઈને આજ સુધીની સ્થિતિ સમજાવી હતી. અને સમાજને આગળ વધવા માટે શ્રમ કરવાનું અને એકત્ર થઈને આગળ વધવાનું કહ્યું હતુ વધુમાં સમાજના યુવાનો અને યુવતીઓને પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા નહી દેવાતા યુવાધન પાછળ રહી ગયું હોવાનું જણાવ્યું હતુ.
જોધપુરનાં સંસદ સભ્ય ગજેન્દ્રસિંહ શેખાવતે સમાજના યુવાનો અને યુવતીઓએ મેળવેલી સિધ્ધિ બદલ આભાર માની ટેકનોલોજીની સાથે ચાલવું જ‚રી છે. તેમ જણાવીને યુવાનોને યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, ચારણસંત પાલુભગત, શકિતસિંહ ગોહિલ, જયદ્રથસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ શેખાવત, અશોકસિંહ પરમારના હસ્તે ક્ષત્રીય સમાજના રમત ગમત, સ્વિમીંગ, યોગાસન, એથ્લેટીકસ, સંગીત, નૃત્ય, અને સાહિત્ય સહિતના ક્ષેત્રમાં સિધ્ધિ મેળવનાર તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.
સંસ્થાના પ્રમુખ યોગરાજસિંહે સંસ્થાની કામગીરીની માહિતી આપી હતી અને નેશનલ ડિફેન્સ એકેડેમી વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે ગુજરાતનાં વિદ્યાર્થીઓ ઓછા પ્રમાણમાં એનડીએમાં પ્રવેશ મેળવે છે. એનડીએમાં અભ્યાસ કરવા માટે ધો.૧૨ પાસ કરવું ફરજીયાત છે. એનડીએની પ્રવેશ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષા પ્રમાણમાં કઠીન હોય છે. પરીક્ષા યુપીએસસી દ્વારા લેવાય છે. જો વિદ્યાર્થીએ ધો.૧૨ સુધીનો અભ્યાસ સૈનિક સ્કૂલમાંથી કર્યો હોય તો એનડીએની પ્રવેશ પરીક્ષા પાસ કરવી સરળ રહે છે.
એનડીએમાં અભ્યાસ બાદ નેવી એરફોર્સ અને આર્મીમાં ઓફીસર તરીકે નોકરી મળે છે.સંસ્થાના કારોબારી સભ્ય ધર્મરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે બાળકોને અભ્યાસ માટેની માહિતી મળી રહે અને ક્ષત્રીય સમાજનું ગૌરવ વધારનાર તારલાઓનો ઉત્સાહ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.