ભારે વરસાદથી આજી સહિતના ડેમો છલકાયા
સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેરનાં પગલે ૧૨૦ ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટી શેત્રુજી ડેમ અને ભાદર ડેમનાં તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમકાંઠાનાં અનેક ગામોને સાવચેત કરાયા છે. ગોંડલ નજીક લીલાખા પાસે આવેલા ભાદર-૧ના તમામ ૨૯ દરવાજા એક સપ્તાહમાં બીજી વખત ૭.૪ ફુટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમનાં તમામ દરવાજા ખોલવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપુર આવ્યા છે. ભાદરના પાણીનો ધસમસતો પ્રવાહ ભાદર-૨માં આવતા ભુખી ગામ પાસે આવેલા ડેમના ૮ દરવાજા ખોલવામાં આવતા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. ધારી પંથકમાં ભારે વરસાદ અને શેત્રુજી નદીમાં ઘોડાપુર આવતા ધારીના ગામડાઓ સુધી પાણી પહોંચ્યું છે. ખોડિયાર ડેમના ૪ દરવાજા અઢી ફુટ ખોલવામાં આવતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
આ ઉપરાંત ગઈકાલે જામજોધપુરમાં પણ ૧૦ ઈંચ વરસાદથી સિદસર ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા હતા. કાલાવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જસાપર, મોટાવડા, નિકાવા, બાલાચંડી, નાના વડાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા તાલુકાની ફુલજર નદી, બાલભંડી ડેમ, બોડીસાંગ ડેમ, ઉંડ-૪ ડેમ, ખારા ડેમ સહિત અનેક નદી-નાળાઓ ગાંડાતુર બન્યા છે. આ ઉપરાંત ભાદર, મોજ, ફોફળ, સોડવદર, સુરવો, ગોંડલી, વાજપરી, વેરી, ન્યારી-૧, ૨, મોતીસર, લાલપરી, ઈશ્ર્વરીયા, કરમાળ, ભાદર-૧, ૨, મચ્છુ-૧, ૨, ડેમી-૧, ૨ અને બ્રાહ્મણી-૧, ૨, મચ્છુ-૩, સસોઈ, ફલજર-૧, ૨, ફોફળ-૧, ૨, રૂપાવટી, સસોઈ-૨, વર્તુ-૧, ૨, મીલસાર, વઢવાણ, ફલકુ, લીંબડી, સોરઠી સહિતના સૌરાષ્ટ્રનાં ૧૨૦ ડેમો હાઈએલર્ટ પર છે.