તાજેતરમાં જ બંગાળમાં એક 12 વર્ષના છોકરાની બુદ્ધિમત્તાને કારણે ભયંકર ટ્રેન દુર્ઘટના ટળી હતી. ટ્રેનના પાટામાં ક્ષતીને જોઈ ટબૂડીયાએ લાલ શર્ટને ફરકાવી ટ્રેનને અટકાવી હતી જેના કારણે દુર્ઘટના ટળી હતી.
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક 12 વર્ષના બાળકે રેલ્વે ટ્રેકમાં તિરાડ જોયા પછી તેનું લાલ શર્ટ લહેરાવી એક હાઇ-સ્પીડ ટ્રેનને અટકાવી હતી જેનાથી ટ્રેન અકસ્માત સહેજથી ટળ્યો હતો. મામલામાં રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોક-પાયલોટે મુરસલિન શેખ નામના છોકરાના લાલ શર્ટ રૂપી જોખમના સંકેતને સમજી ટ્રેનને રોકવા માટે યોગ્ય સમયે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના ગયા ગુરુવારે ભાલુકા રોડ યાર્ડ પાસે બની હતી.
ક્ષતિગ્રસ્ત રેલવે ટ્રેકને જોઈ લાલ શર્ટ લહેરાવી ટબૂડીયાએ ટ્રેનને થંભાવી સેંકડો લોકોના જીવ બચાવ્યા
નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી દેએ જણાવ્યું હતું કે, માલદામાં એક 12 વર્ષના છોકરાએ તેનો લાલ શર્ટ લહેરાવીને અને વરસાદથી ક્ષતિગ્રસ્ત રેલ્વે ટ્રેક પર આગળ વધતી ટ્રેનને રોકી અકસ્માત ટાળ્યો હતો. તેમણે કહ્યું, વરસાદને કારણે માટી અને પથ્થરો ધોવાઈ જવાને કારણે ટ્રેકને નુકસાન થયું હતું.
ડેએ કહ્યું, નજીકના ગામના પરપ્રાંતિય મજૂરનો પુત્ર મુરસલીન શેખ રેલવે કર્મચારીઓ સાથે યાર્ડમાં હાજર હતો. વરસાદને કારણે ટ્રેકનો ક્ષતિગ્રસ્ત ભાગ જોઈને છોકરાએ સમજદારી દાખવી અને ત્યાં ફરજ પર તૈનાત અન્ય રેલવે કર્મચારીઓ સાથે પોતાનો લાલ શર્ટ લહેરાવ્યો અને સામેથી આવતી ટ્રેનના લોકો પાયલટને ચેતવણી આપી. ટ્રેનને અટકાવ્યા બાદ ક્ષતિગ્રસ્ત ટ્રેકનું સમારકામ કરી રાબેતા મુજબ ટ્રેનને દોડતી કરવામાં આવી હતી.
ઉત્તર પૂર્વ સરહદ રેલ્વે અધિકારીઓએ છોકરાને તેની બહાદુરી માટે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપ્યો છે.