-
હિસ્ટ્રીશીટર નરાધમ પિતા વિરુદ્ધ પોક્સો સહીતની કલમો હેઠળ ફરિયાદ : ધરપકડ કરી લેવાઈ
-
જેતપુરમાં પાલક પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરતા હાહાકાર મચી જવા પામ્યો છે.
સગીરા ઘરે એકલી હતી ત્યારે પાલક પિતાએ દેહ અભડાવ્યાણી ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ માતાને થતા માતાએ જ પાલક પિતા વિરુદ્ધ જેતપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
સમાજને શર્મસાર કરે અને પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવી ઘટના જેતપુર શહેરમાંથી સામે આવી છે. જેતપુરમાં 12 વર્ષીય પુત્રી પર પાલક પિતાએ દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ પાલક પિતાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ભોગ બનનારી સગીરાની માતાએ પ્રથમ પતિના અવસાન પછી 10 વર્ષ પહેલા હાલના આરોપી સાથે લગ્ન કર્યા હતા. પ્રથમ પતિથી સંતાનમાં ભોગ બનનાર 12 વર્ષની બાળકી હતી. પહેલા લગ્ન કર્યા એ પતિ અવસાન પામતા જેતપુરના શખ્સ સાથે 10 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા.
દરમ્યાન લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું. પ્રથમ લગ્નથી પ્રાપ્ત થયેલ દીકરીને પાલક પિતાએ સ્વીકારી હતી. જોકે દીકરી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ નારધમ પોતાની દાનત બગડી હતી.બે દિવસ પહેલા બાળકી જ્યારે ઘરે એકલી હતી ત્યારે નરાધમે માસુમને પિંખી નાખી હતી. પોતાની હવસને સંતોષીને નરાધમ જાણે કંઈ બન્યું જ ન હોય તેવી રીતે વર્તન કરી રહ્યો હતો. જોકે બાળકી એ સમગ્ર ઘટનાની વાત માતાને કરી દેતા ભાંડો ફૂટ્યો હતો.ઘટનાની જાણ થયા બાદ માતાએ નરાધમ પિતા સામે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બાળકી પરિવાર સાથે સારણ પુલ વિસ્તારમાં રહેતી હતી અને સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી સાવકો પિતા હિસ્ટ્રીશીટર આરોપી છે. બુટલેગર તરીકે અગાઉ પોલીસના ચોપડે પણ ચડી ચૂક્યો છે. ફરિયાદ દાખલ થતા પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.