- જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ધ્રોલ નજીક ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચેના ગોઝારા અકસ્માતમાં 12 વર્ષની બાળકી નું મો*ત
રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીના પરિવારના સભ્યો રાજકોટથી દર્શને આવતા હતા, દરમિયાન નડયો અકસ્માત: અન્ય ત્રણ વ્યક્તિ ઘાયલ
જામનગર તા 30 , જામનગર- રાજકોટ હાઇવે રોડ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને 12 વર્ષની બાળકીનું મોત થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીનો પરિવાર રાજકોટ થી દર્શનાર્થે ધ્રોળ તરફ આવતો હતો, જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં 12 વર્ષની બાળકી મૃ*ત્યુ પામી છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં નગરપાલિકામાં નોકરી કરતા નીરવ દવે ના પરિવારના સાત સભ્યો ગઈ કાલે રવિવારની રજા ના દિવસે સવારે રાજકોટ થી નીકળીને ખોડાપીપર ગામ નજીક આવેલા માતાજીના દર્શને નીકળ્યા હતા.
તેઓ રાજકોટમાં થી જીજે -3 એલ. આર. 7310 નંબરની ઇકો કારમાં બેસીને નીકળ્યા હતા. જે કારમાં નીરવભાઈ ના પત્ની તેમજ તેઓની બે પુત્રીઓ હેતવી (ઉંમર વર્ષ ૧૨) અને રાશિ (ઉં. વ. પોણા ચાર વર્ષ) ઉપરાંત પત્નીના ભાઈ ભાભી અને સાસુ સસરા કે જેઓ ખોડાપીપર ગામ પાસે આવેલા માતાજીના દર્શનાર્થે નીકળ્યા હતા.
જેઓ ની ઇકો કાર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક મોડપર ગામના પાટીયા પાસે પહોંચતાં પાછળથી આવી રહેલી જી. જે. 14 એ.ટી. 0650 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે એક સાઇડથી ઇકો કારને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ઇકો કારનું એક સાઇડ નું પડખું ચિરાઈ ગયું હતું, અને તે સાઈડમાં બેઠેલી હેતવી નીરવભાઈ દવે નામની ૧૨ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલી બાળકીની માતા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જે તમામને 108 નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ પડધરી ની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક હેતવી ના પિતા નિરવભાઈ નવનીતભાઈ દવેએ ખાનગી લક્ઝરી બસ નંબર જીજે 14 એ.ટી.0650 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી. જે. જાડેજા બનાવવાના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તો ના નિવેદન નોંધ્યા બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તે ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી