ફિલિપાઈન્સના ૧૪ અને યુએસએના ૩ છાત્રો માટે આદર્શ નિવાસી શાળામાં ખસેડાયા: તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ
મોરબી જિલ્લાના નજીકના જિલ્લાના મૂળ વતની અને વિદેશમાં અભ્યાસ કરતા એવા ૧૭ છાત્રોને મોરબીમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ છાત્રોને આદર્શ નિવાસી શાળામાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેઓ માટે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ છાત્રોને ૧૪ દિવસ અહીં રાખીને બાદમાં પોતાના ઘરે જવા દેવામાં આવનાર છે.
સરકારના આદેશ પ્રમાણે જે વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના વતન આવી રહ્યા છે. તેઓને નજીકના જિલ્લામાં ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવી રહ્યા છે. જે મુજબ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના ૧૭ છાત્રોને આદર્શ નિવાસી શાળામાં રાખવામાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૧૪ ફિલિપાઈન્સના મનીલામાં અભ્યાસ કરતા હતા. જ્યારે ૩ યુએસએના ન્યુયોર્કમાં અભ્યાસ કરતા હતા. આ છાત્રોમાં ૬ વિદ્યાર્થીઓ છે. જ્યારે ૮ વિદ્યાર્થીનીઓ છે.
આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મેડીકલના વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે વિદેશથી આવેલા લોકો માટે મોરબીમાં ઉચ્ચ બુનિયાદી વિધાલય- જોધપર, જે.પટેલ ક્ધયા છાત્રાલય ૫ ક્વોરોન્ટાઇન ફેસેલિટી સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જો સરકારી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં આ વિદ્યાર્થીઓને ન ફાવે તો તેમના માટે પેઈડ ક્વોરોન્ટાઇન સેન્ટર તરીકે ઓક્ટ્રી હોટેલ- જાંબુડિયા અને ગ્રાન્ડ વૈભવ- લખધીરપુર રોડ જાહેર કરવામાં આવ્યા છે.
આ ૧૭ વિદ્યાર્થીઓ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં.જ્યાંથી તેઓને પોતાની પસંદગી મુજબ મોરબી લઈ આવવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓને ૧૪ દિવસનો ક્વોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયે પોતાના વતન મોકલી દેવામાં આવશે.