ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ કે કોંગ્રેસમાંથી ઉમેદવાર નોંધાવનારને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યા સસ્પેન્ડ
વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતા અથવા ટિકિટ કપાતા ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરી અપક્ષ ઉમેદવાર કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર વધુ 12 બળવાખોરોને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપમાંથી હકાલ પટ્ટી કરી છે. આ પહેલા પણ 7 બળવાખોરને પાણીચુ પકડાવી દેવામાં આવ્યું હતું.
બીજી તબક્કાના મતદાનમાં જે 93 વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. તે બેઠકો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જેની સામે ભાજપના 12 જેટલા બળવાખોર નેતાઓએ અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેને ફોર્મ પરત ખેંચી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું છતા તેઓએ ફોર્મ પરત ન ખેંચતા તમામ 12 બળવાખોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાની પાદરા બેઠક પર ઉમેદવારી કરનાર દિનુભાઇ પટેલ (દિનુમામા), વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારી કરનાર મધુભાઇ શ્રીવાસ્તવ, સાવલી બેઠક પરથી ઉમેદવારી કરનાર કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલ, પંચમહાલની શહેરા બેઠક પરથી ઉમેદવારી કરનાર ખાતુભાઇ પગી, મહિસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પરથી ઉમેદવારી કરનાર એસ.એમ.ખાંટ અને જે.પી.પટેલ, આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પરથી ઉમેદવારી કરનાર રમેશભાઇ ઝાલા, ખંભાત બેઠક પરથી ઉમેદવારી કરનાર અમરશીભાઇ ઝાલા, અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી રામસિંહ શંકરજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ઉમેદવારી કરનાર માવજીભાઇ દેસાઇ અને ડિસા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર લેબજીભાઇ ઠાકોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત 20મી નવેમ્બરના રોજ હર્ષદભાઇ વસાવા, અરવિંદભાઇ લાડાણી, છત્રસિંહ ગુંજારિયા, કેતનભાઇ પટેલ, ભરતભાઇ ચાવડા, ઉદયભાઇ શાહ અને કરણભાઇ બારૈયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.