- રાજકોટમાં હયાત રેલવે સ્ટેશનની સામેની બાજુએ રૂ.50 કરોડના ખર્ચે નવું સ્ટેશન બનશે: સાંસદ મોહનભાઈ કુંડારિયા
- રૂ.175 કરોડથી વધુના ખર્ચે 20 જેટલા અંડરપાસ/અંડરબ્રીજનાં કામોની પણ અપાઈ ભેટ
દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 551 સ્ટેશનના પુન:વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ’વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુન: વિકાસ કાર્યક્રમ’ હેઠળ આજે રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનના પુન:વિકાસનું ખાતમુહૂર્ત, 11 રોડ ઓવરબ્રિજ- અંડરપાસનો શિલાન્યાસ અને 9 રોડ-અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું.
આ તકે પ્રાસંગિક સંબોધનમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે રૂ. 181 કરોડ ફાળવવા બદલ રેલવે મંત્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આને ઉમેર્યું હતું કે, રાજકોટમાં વર્તમાન રેલવે સ્ટેશનની સામેની બાજુએ આશરે રૂ. 50 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે. જેનાથી બંને તરફથી લોકો રેલવે સ્ટેશનમાં આવી શકશે. આ સાથે આજે લોકર્પિત, ખાતમુહૂર્ત થનારા રેલવેના વિવિધ પ્રકલ્પોથી રેલવે મુસાફરોને વધુ સગવડ અને સુવિધા પ્રાપ્ત થશે.
સાંસદ રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશને છેલ્લા દશ દિવસમાં 1 લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી છે. વડાપ્રધાનએ વિવિધ યોજના દ્વારા નાગરિકોના જન્મથી મૃત્યુ સુધીની દરેક તબક્કે સહાય કરી છે. આજે ભારતમાં 50 કરોડ જન ધન ખાતા અને 55 કરોડ લોકોને આયુષ્માન યોજના હેઠળ સાંકળવામાં આવ્યા છે. વિશ્વના વિકસિત દેશો જેવી સેવાઓ આપણા નાગરિકોને મળી રહી છે ત્યારે વડાપ્રધાનના આઝાદીના 100 વર્ષે વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં તમામ નાગરિકો પણ જોડાય તેવી સાંસદએ અપીલ કરી હતી.
વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુન: વિકાસ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝન પણ જોડાયું હતું. રાજકોટ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરતા ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનોનો રૂ.181.42 કરોડના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ રાજકોટના રેલવે સ્ટેશનનો આશરે રૂ. 50 કરોડના ખર્ચે પુન: વિકાસ કરાશે.
આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનના ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વની રોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત અને 9 રોડ-અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ પાછળ આશરે રૂ.175.25 કરોડ જેટલો ખર્ચ થયો છે.
તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનના આધુનિકરણ અને સુવિધાઓને ઉત્તમ બનાવવાના હેતુ સાથે ભારત સરકારે મોડ્યુલર ક્ધસેપ્ટ પર વિશ્વસ્તરીય રેલવે સ્ટેશનના નિર્માણની પરિયોજના શરૂ કરી છે. જે અંતર્ગત રેલવે સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉસમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રેલવે સ્ટેશનના પુન: નિર્માણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના આરંભે શહેરની વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. રેલવે ડિવિઝન રાજકોટ દ્વારા રાજકોટ શહેરની 75 શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાંથી 10 વિજેતા શાળાઓના બંને સ્પર્ધામાં વિજેતા 60 બાળકોને આ તકે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક કૃતિનું ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સાંસદ રામભાઈ મોકરિયાએ રૂ. 5100નો રોકડ પુરસ્કાર આપીને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવિણ નિમાવત, અગ્રણીઓ મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરીયા, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, પૂજાબેન પટેલ, બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય તથા વિવિધ વોર્ડના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.