વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું: દર્શનાર્થે આવેલા શ્રધ્ધાળુઓમાં નાસભાગ મચતા સર્જાઈ ઘટના

એક તરફ પુરી દુનિયા નવા વર્ષની ઉત્સાહભેર આવકારી રહ્યું હતું ત્યારે કટરા વૈષ્ણવ દેવીમાં ગત મોડી રાત્રીના આવેલા હજારો શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી જતા ૧૨ યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ૧૪ યાત્રાળુઓ ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ સહિત સુરક્ષા દળો ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું હતું કે અત્યાર ૧૨ મૃતદેહો આવ્યા છે. પરંતુ અત્યારે અમારી પાસે આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેની ચોક્કસ માહિતી નથી. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે.

આ ભાગદોડમાં ૧૪ જેટલા યાત્રાળુઓ ઘવાયા હતા. જેમને સારવાર માટે નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન નાસભાગ મચતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે હાલ મંદિરની મુલાકાત રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કટરામાં ત્રિકુટા ટેકરીઓ પર આવેલું પવિત્ર ગુફા મંદિર દેશના સૌથી આદરણીય તીર્થસ્થાનોમાંનું એક છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, ‘આ દુઃખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.’

આ ઘટના અંગે સ્થળ પર હાજર શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે પહેલા અમુક લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ અચાનક નાસભાગ મચી ગઇ અને હાલત બેકાબુ થઈ જતા ૧૨ યાત્રાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. મંદિરની નાની જગ્યાએ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભેગા થઈ ગયા હતા. નાસભાગમાં બહાર નીકળવા માટે જગ્યા ન મળતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

વૈષ્ણવ દેવીમાં હૃદય કંપાવતી ઘટનાના પડઘા પુરા દેશમાં પડ્યા છે. જે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે “માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું.”

મૃતકોના પરિવારને રૂ.૧૨ લાખની અને ઘાયલોને રૂ.૨ લાખની સહાયની જાહેરાત

વૈષ્ણવ દેવીના આંગણે મચેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી ૨-૨ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. એટલું જ નહીં ઘાયલોને રૂ.૫૦,૦૦૦ની રાહત ફાળવવામાં આવી છે.

તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા અને ઘાયલોને ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.