- અંબિકા ટાઉનશીપમાં નવોઢા અને રેલનગરમાં પતિ, પત્ની અને પુત્રના મોતથી પરિવારને સધિયારો આપનાર કોઇ ન બચ્યું
- રાજકોટ-મોરબી એમ્બ્યુલન્સના સાયરનથી રાતભર ગુંજી ઉઠયો: મચ્છુ નદી મરણચીસ અને કરૂણ આક્રંદથી સર્જાય ગમગીની
મોરબીના મચ્છુ નદી પર રિનોવેશન બાદ તા.26મીએ ખુલ્લો મુકાયેલો ઝુલતો પુલ તુટી પડવાની ગોજારી ઘટનામાં 150થી વધુ સ્ત્રી,પુરૂષ અને બાળકોએ જીવ ગુમાવ્યા છે. ગમખ્વાર દુર્ઘટનામાં રાજકોટના પાંચ બાળકો, ચાર મહિલા અને ત્રણ પુરૂષ સહિત બાર કાળનો કોળીયો બની ગયા છે. તમામ હતભાગી પરિવારનો હસી ખુશી સાથે ઝુલતા પુલ પર સફળ અંતિમ સફળ બની ગઇ છે.
મોરબી સ્ટેટ વાઘજી ઠોકોર દ્વારા 1887માં બનાવેલા ઝુલતા પુલને રિનોવેશન માટે આઠેક માસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તા.26ના રોજ બેસતા વર્ષના દિવસે કોઇ પણ જાતના લોકાપર્ણ કે કોઇ પણ જાતની ચકાસણી વિના જ તંત્રને જાણ કર્યા વિના શરૂ કરવામાં આવ્યા બાદ પુલની ક્ષમતા કરતા વધુ સહેલાણીઓને ટિકિટ આપવાના કારણે ઝુલતો પુલ માત્ર ચાર જ દિવસમાં તુટી પડતા મોરબીની મચ્છુ નદી મરણ ચીસથી ગુંજી ઉઠી હતી. અસરગ્રસ્તોની મદદ માટે રાજકોટથી મોટી સંખ્યામાં એમ્બ્યુલશન અને ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ મોરબી દોડી ગયા હતા. રાતભર રાજકોટ-મોરબી રોડ સાયરનથી ગુંજતો રહ્યો હતો.
મવડી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનસીપમાં સિધ્ધી હાઇટમાં રહેતા અને હાલ બેંગ્લોર ખાતે ખાનગી કંપનીમાં એનિજનીયર તરીકે ફરજ બજાવતા હર્ષકુમાર ઝાલાવાડીયા તેમની પત્ની મિરાબેન ઝાલાવાડીયા શનિવારે પોતાના માતા-પિતા સાથે મોરબી માસીયાઇ ભાઇને ત્યાં જમવા માટે ગયા હતા. ત્યારે તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવેલા ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા. એક સાથે પાંચ વ્યક્તિઓ ઝુલતા પુલ તુટતા હર્ષ ઝાલાવાડીયા તેના માસીયાઇ ભાઇ તેમની પત્ની અને હર્ષની પત્ની મિરાબેન પુલ પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મિરાબેન, હર્ષના માસીયાઇ ભાઇ તેમજ તેમની પત્નીના મોત નીપજયા હતા અને હર્ષને સારવાર માટે દોશી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઝુલતા પુલ પરથી પટકાવવાના કારણે રાજકોટના પાંચ બાળકો સહિત બાર વ્યક્તિઓ કાળનો કોળીયો બન્યા છે. જેમાં પાંચ માસ પહેલાં જ પ્રભુતામાં પગલા માંડનાર ઝાલાવાડીયા દંપત્તી ખંડીત થતા કડવા પાટીદાર સમાજમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ છે.
- મોરબી દુર્ધટનામાં એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો ભોગ બન્યાં
- રેલનગર અવધ પાર્કના વાલ્મીકી પરિવાર માટે રજાનો છેલ્લો દિવસ અંતિમ દિવસ બન્યો !
- અવધપાર્કથી ઉઠેલી ત્રણ ત્રણ અર્થીથી અનેકની આંખોમાં પાણી ભરાયા
મોરબી પુલ દુર્ધટનાએ અનેક પરિવારના માળા પીંખી નાખ્યા છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા વાલ્મીકી પરિવારમાં પતિ-પત્નિ અને એક પુત્ર ભોગ બનતા હવે માત્ર સાત વર્ષનો એક બાળક જ રહ્યો છે. સાત વર્ષનો ‘શિવ’ બચી ગયો છે પરંતુ તેની આંખો હજુ મમ્મી-પપ્પા અને ભાઇને શોધી રહી છે.
કાળની ગતિ ન્યારી છે, વાલ્મિકી પરિવાર સાથે કાળએ કંઇક આવી ‘રમત’ રમી છે. આજે સવારે રેલનગરમાં ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે અવધ પાર્કમાં રહેતા એક જ પરિવારમાંથી ત્રણ-ત્રણ અર્થી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
દિવાળીની રજાનો ગઇકાલે છેલ્લો દિવસ હોય ભૂપતભાઇ છગનભાઇ પરમાર (વાલ્મીકી) (ઉ.વ.3પ), મોરબીમાં રહેતા તેમના સાઢુભાઇ ઘેર આંટો મારવા ગયા હતા. ભૂપતભાઇ અને તેમના પત્ની સંગીતાબેન તેમજ બન્ને પુત્રો વિરાજ (ઉ.વ.14) અને શિવમ (ઉ.વ.7) સાથે મોરબી ગયા હતા.
ગઇકાલે સાંજે પરિવાર સાથે ઝુલતા પુલ ઉપર ગયા હતા ત્યારે એ સમયે પુલ તૂટી પડતા ભૂપતભાઇ, સંગીતાબેન, પુત્ર વિરાજે જીવ ગુમાવ્યા હતા. જયારે સાત વર્ષનો પૂત્ર ‘શિવમ’ બચી ગયો છે. મૃતક ભુપતભાઇ બહુમાળી ભવનમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. બે ભાઇ અને બે બહેનોમાં ભુપતભાઇ સૌથી નાના હતા. રજાનો અંતિમ દિવસ ભૂપતભાઇ અને તેમના પત્ની તથા એક પુત્ર માટે અંતિમ દિવસ બની ગયો હતો.