કુંદણી ગામે 15 વર્ષ પહેલા ફાયરીંગ અને સામુહિક હુમલામાં એકનું મોત નિપજયુંં હતુ: 14 સામે ગુનો નોંધાયો તો
જસદણ તાલુકાના કુંદણી ગામે 15 વર્ષ પહેલાના ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારથી સામુહિક હુમલામાં કોળી યુવકની હત્યા કેસ રાજકોટ સેશન્સ અદાલમા ચાલી જતા બાર આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આ કેસની ફરિયાદની હકીકત મુજબ, જસદણ તાલુકાના કુંદણી ગામે માવજી ભીખાભાઈ વૈજીયા અને રમેશ આંબાભાઇ વૈજીયા બંને પિતરાઈ ભાઈઓ પ્રાઇવેટ દુધની ડેરીમાં ભાગીદાર હોય, તેમાં દુધ ભરવા બાબતની અદાવત રાખી ગઈ તા. 11/ 08/ 2009ના રોજ સાંજના 7:15 વાગ્યે કુંડળી જસદણ રોડ ઉપર પારેવાળા ગામની સીમમાં રમેશભાઈ વૈજીયા ઉપર લાલ રંગની ખુલ્લી જીપમાં આવેલા મુન્નો બાબભાઈ બસીયો, નરેશ વિનુભાઈ ખાચર, કિશોર વિનુભાઈ ખાચર, ગભરૂ ભાયાભાઈ, અમકુ ભાયાભાઈ, ભાભલુ વલકુભાઈ, વિનુ અનકભાઈ ખાચર અને ભાભલુભાઈ અનકભાઈ ખાચર તથા અજાણ્યા માણસો (રહે. બધા કુંદણી) વગેરેએ ફાયરિંગ કરવા ઉપરાંત તીક્ષણ હથિયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા રમેશભાઈનું લોહી લોહાણ હાલતમાં તરફડીયા મારતા મૃત્યુ થતા ઉપરોક્ત ટોળકીએ મોતને ઘાટ ઉતાર્યા અંગેની ફરિયાદ માવજી ભીખાભાઈ વૈજીયાએ ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તેમાં હત્યાના કારણમાં કાઠી દરબારો દૂધ મંડળી ચલાવે છે સામે રમેશભાઈ અને માવજીભાઈ પ્રાઇવેટ દૂધ ડેરી માટે દૂધ ભરતા હોય આ ધંધાકીય ખારની અદાવત રાખી આ બનાવ બન્યો હોવાનો ફરિયાદમાં જણાવ્યું હતું.
આ ફરિયાદના કામે પોલીસે તપાસ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓને અટક કરેલ હતા અને ફરિયાદમાં નામ ન હોય તેવા આરોપીઓ બાવકુભાઈ વલકુભાઈ, શિવકુભાઈ શાંતુભાઈ, સુરેશ ભુપતભાઈ, જુસન ઉર્ફે જુસબ અબ્બાસભાઈને પોલીસ ધરપકડ કરી હતી. આથી કુલ આરોપીની સંખ્યા 14 થઈ હતી, તપાસનાં અંતે પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ કમિટ થઈ સેશન્સ કોર્ટમાં નિર્ણીત થવા માટે આવેલ હતો.
કેસની ટ્રાયલ દરમ્યાન પોલીસ દ્વારા વધુ બે પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા હતા. જે બંને કેસો મુળ કેસ સાથે કોન્સોલીડેટ કરી ચલાવવામાં આવેલ હતા અને તમામ કેસો એકી સાથે ચલાવવામાં આવેલ હતા.
આ તમામ આરોપીઓનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા માટે આવતા ફરિયાદ પક્ષે કુલ 101 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા તથા કુલ 73 સાહેદોને તપાસવામાં આવેલ. આ કેસનો પુરાવો નોંધાઈ રહયો હતો, તે દરમ્યાન ભાભલુભાઈ વલકુભાઈ ધાંધલ અને વિનુભાઈ અનકુભાઈ ખાચરનું ચાલુ કેસ દરમ્યાન મૃત્યુ થતા તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ હતો. મુખ્ય આરોપી બાવકુ વલકુભાઈ લાંબો સમય સુધી જેલ કસ્ટડીમાં રહેલા હતા, બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટસ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી કે નજરે જોનાર સાહેદોએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપેલું નથી. જે સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપેલું છે તે તમામ સાહેદો મરણજનારના કુંટુંબીજનો છે અને હાલના આરોપીઓ પાસે કયા આરોપીઓ પાસેથી હથિયાર અને કપડાં કબજે કરવામાં આવેલ હતા તે અંગેનો એક પણ પુરાવો સાબિત થયેલ નથી. તેમજ બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી દુધની ડેરી બાબતે મનદુ:ખ ચાલતું હોવાનું પોલીસ દ્વારા જે ચાર્જશીટમાં જણાવેલ હતું તે કારણ પણ ટકી શકે નહી કારણ કે બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી સમાધાન થયેલ હતું. અંતમાં બચાવપક્ષનાં વકીલો દ્વારા પુરાવાનાં અભાવે અને પોલીસની તપાસમાં રહેલ ખામીઓને ઉજાગર કરી તમામ આરોપીઓને છોડી મુકવા રજૂઆતો કરી હતી.
બંને પક્ષોની વિગતવારની દલીલો તેમજ બંને પક્ષો દ્વારા રજુ કરવામાં આવેલ વડી અદાલતોના તેમજ સર્વોચ્ચ અદાલતનાં વિવિધ ચુકાદાઓને પણ ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં આરોપી વતી એડવોકેટ તરીકે અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, પથીકભાઈ દફતરી, ભાવિનભાઈ દફતરી, નેહા દફતરી, નુપુર દફતરી, દિનેશ રાવલ, મુકેશ કેશરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા , રવિરાજસિંહ જાડેજા, પીયુષ શાહ, અશ્વિન ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, હર્પીલ શાહ, ચીરાગ શાહ, પરાગ લોલારીયા અને રઘુવીર બસીયા રોકાયા હતા.