- 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલુ: સૌથી વધુ ત્રિપુરામાં લગભગ 17% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 7.45% મતદાન
18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જે સાંજે 6 કલાકે સમાપ્ત થશે. પ્રથમ બે કલાકમાં સરેરાશ 12 ટકા જેવું મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ત્રિપુરામાં લગભગ 17% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 7.45% હતું. બીજી તરફ વડાપ્રધાન મોદીએ બીજા તબક્કામાં વધુ મતદાન થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રાજ્ય પ્રમાણે જોઈએ તો 13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન ચાલુ છે યુપીમાં સવારે 9 વાગ્યા સુધી 11.67% મતદાન, આસામમાં સવારે 9 વાગ્યા સુધી 9.15% મતદાન, બિહારમાં સવારે 9 વાગ્યા સુધી 9.65% મતદાન, છત્તીસગઢમાં સવારે 9 વાગ્યા સુધી 15.42% મતદાન, રાજસ્થાનમાં સવારે 9 વાગ્યા સુધી 11.77% મતદાન, જમ્મુ-કાશ્મીરમાં સવારે 9 વાગ્યા સુધી 10.39% મતદાન, કર્ણાટકમાં સવારે 9 વાગ્યા સુધી 9.21% મતદાન, કેરળમાં સવારે 9 વાગ્યા સુધી 11.90% મતદાન, મધ્યપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધી 13.82% મતદાન, મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધી 7.45% મતદાન, મણિપુરમાં સવારે 9 વાગ્યા સુધી 14.83% મતદાન, ત્રિપુરામાં સવારે 9 વાગ્યા સુધી 16.65% મતદાન, પશ્ચિમ બંગાળમાં સવારે 9 વાગ્યા સુધી 15.68% મતદાન થયું છે.
તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલુરઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરવાથી રોકી રહ્યા છે. બાલુરઘાટમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બીજા તબક્કામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, 5 કેન્દ્રીય મંત્રીઓ, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને 3 ફિલ્મ સ્ટાર મેદાનમાં છે. આ સિવાય રાહુલ ગાંધી, શશિ થરૂર અને હેમા માલિનીની સીટો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આઉટર મણિપુરના કેટલાક ભાગોમાં આજે ફરી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે આ બેઠક માટે બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી હતી.
2019 માં, બીજેપીએ બીજા તબક્કામાં સૌથી વધુ 50 સીટો જીતી હતી અને એનડીએ સાથીઓએ 8 સીટો જીતી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. અન્યને 9 બેઠકો મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 1,198 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1,097 પુરૂષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર ત્રીજા લિંગનો છે. અગાઉ 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થયું હતું. આજ પછી 5 તબક્કાનું મતદાન 1 જૂન સુધીમાં પૂર્ણ થશે. આ પછી પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.