ચૂંટણી પુરી થઈ ગઈ પણ ઉમેદવારોની ફોર્મને લઈ રામાયણ ઉભી!!
ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને ઉમેદવારી પત્રો ભરવા માટે કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના પાલન અંગે ઠેર ઠેર વિવાદ
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા તેને મહિનાઓ વિત્યા છતાં હજુ સુધી ઉમેદવારોની ફોર્મની રામાયણ ઉભી છે. પડધરી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના 12 ધારાસભ્યોના ફોર્મમાં ક્ષતિ હોવાની અરજીઓ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે.
એક અપક્ષ ઉમેદવારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ચૂંટણી જીતને પડકારતા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. શંકર ચૌધરીએ થરાદની સીટ પર 1,17,891 વોટોથી જીત હાંસલ કરી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર ભાગ્યતિબેન બ્રહ્મક્ષત્રિયએ માત્ર 190 વોટ હાંસલ કર્યા હતા અને તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. અત્યારસુધીમાં ઘણા ઉમેદવારોની ચૂંટણી જીતને પડકારતી 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ભાગ્યતિબેન બ્રહ્મક્ષત્રિયએ શંકર ચૌધરીની જીતને પડકાર ફેંક્યો છે અને દાવો કર્યો છે કે તેમણે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને ઉમેદવારી પત્રો ભરવા માટે કોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કર્યુ નથી. હાઈકોર્ટ રજિસ્ટ્રીને ધ્યાને આવ્યું કે તેમની અરજીમાં કેટલાંક દસ્તાવેજોની કમી છે. કોર્ટે અરજીને પૂર્ણ કરવા માટે તેમને 3 માર્ચ સુધીનો સમય આપ્યો છે, એવું તેણીનીએ જણાવ્યું હતું.
બ્રહ્મક્ષત્રિયની દીકરી નિરુપા કે જે મોરબી મતવિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાની જીતને પડકારી છે. માતા-પુત્રીની જોડી અગાઉ પણ ચૂંટણી લડી ચૂકી છે અને હારી ચૂકી છે. એ ચૂંટણી પરિણામોને પડકારતી તેમની કેટલીક અરદીઓ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ દરમિયાન જસ્ટિસ ઈલેશ વોરાએ સોમવારે ભાજપના ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં સમન્સ જારી કર્યા હતા.
બાદમાં વકીલ હૃદય બુચ દ્વારા દેથરિયાની ચૂંટણી જીતને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે દેથરિયાએ ચૂંટણી એફિડેવિટમાં અમુક કોલમો ખાલી છોડી દીધી હતા અને ખોટી માહિતી આપી હતી. આ મુદ્દે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ત્યારે હાઈકોર્ટે એપ્રિલમાં સુનાવણી માટે તારીખ નક્કી કરી છે. અન્ય ચૂંટણી પરિણામોમાં જે હાઈકોર્ટ સમક્ષ પ્રશ્નાર્થ છે એમાં ભાવનગરના પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની જીત પણ સામેલ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમની જીતને પડકારતી અરજી દાખલ કરી છે.
ચૂંટણી હારનારા વિસાવદર સીટના ત્રણ ઉમેદવારો આપના ભૂપેન્દ્ર ભાયાણીની ચૂંટણી જીતની કાયદેસરતા પર સવાલ ઉઠાવતા હાઈકોર્ટમાં ગયા છે. ડેડિયાપાડાથી આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની જીતને પણ પડકારવામાં આવી છે. અન્ય ચૂંટણી અરજીઓ રાધનપુર, પાટણ અને મોરવા હડફની ચૂંટણી જીત સાથે સંબંધિત છે.
ફોર્મ અમાન્ય રહે તો મને ચૂંટાયેલો જાહેર કરવો પડશે: લલિત કગથરા
આ અંગે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે દુર્લભજીભાઈ દેથરીયાની ચૂંટણી ફોર્મની ચકાસણી ચાલી રહી હતી તે જ સમયે મેં વાંધો લીધો હતો કારણ કે, સોગંદનામામાં કોઈપણ જગ્યાએ ખાનું ખાલી રાખી શકાતું નથી કે પછી ત્યાં લીટો પણ કરી શકાતો નથી. તેવી ચૂંટણી પંચની ગાઈડલાઈન હોવા છતાં દુર્લભજીભાઈ દેથરીયાના ફોર્મમાં લીટો કરવામાં આવ્યો હતો જેથી મેં ફોર્મ અંગે વાંધો લીધો હતો. ચૂંટણી પંચે આ વાંધા સામે જવાબ રજૂ કરવા દુર્લભજીભાઈ દેથરીયાને ત્રણ કલાકનો સમય આપ્યો હતો અને આ દરમિયાન તેમણે નવું સોગંદનામુ રજૂ કર્યું હતું પરંતુ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ નવું સોગંદનામુ રજૂ કરી શકાતું નથી. ત્યારે મેં આર.ઓ.ને કીધેલું કે ફોર્મ ખોટી રીતે માન્ય રાખવામાં આવ્યું છે અને હું કોર્ટમાં જઈશ. ત્યારબાદ હવે મેં કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે જે હાઇકોર્ટે માન્ય રાખતા તમામ ઉમેદવારોને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને ફોર્મ અમાન્ય ઠરે તો મને ચૂંટાયેલો જાહેર કરવો પડશે.
ન્યાયતંત્રનો નિર્ણય શિરોમાન્ય: દુર્લભજીભાઈ દેથરીયા
હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે દુર્લભજીભાઈ દેથરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારુ ફોર્મ કાયદાકીય રીતે બધું બરાબર જ છે. મારા ફોર્મમાં મેં ડેસ(-) કર્યું હતું જે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કરી શકાય નહીં ત્યારે મેં ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી તક અને સમય પહેલા મારું ફોર્મ સુધારીને પરત રજૂ કર્યું હતું. જે ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું. જેથી મારા ફોર્મમાં કાયદાકીય રીતે કોઈપણ ભૂલ રહેતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે સમગ્ર મામલો ન્યાયતંત્ર સમક્ષ છે ત્યારે હવે ન્યાયતંત્ર જે પણ નક્કી કરશે તે સ્વીકારવાની અમારી તૈયારી છે.