મેળાએ કરાવ્યા લીલાલહેર

લોકોએ છુટ્ટા હાથે પૈસા વાપર્યા, ધંધાર્થીઓને કરોડોનો વ્યાપાર, સ્થાનિક અર્થતંત્રને મળ્યું બૂસ્ટર ડોઝ: કલેક્ટર અને પ્રાંત અધિકારીની મહેનત રંગ લાવી: પોલીસની પણ કાબીલેદાદ કામગીરી, મેળાને ઝડબેસલાક સુરક્ષા

પાથરણા વાળા- નાના ધંધાર્થીઓને સાતમ-આઠમ ફળી: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લાખો લોકોએ પરિવાર સાથે મેળો માણ્યો

રાજકોટનો લોકમેળો રાજ્યભરમાં પ્રચલિત છે ત્યારે રેસકોર્ષ મેદાનમાં સાતમ-આઠમમાં યોજાયેલા રસરંગ મેળામાં છ દિવસમાં 13 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હોય તેમ તંત્રના ચોપડે નોંધાયું હતું. રવિવારે મેળાનો એક દિવસ વધારતા અકલ્પનિય ભીડ જામી હતી જેને લઇ રાતે 8 વાગે મેળામાં એન્ટ્રી બંધ કરવી પડી હતી. મેળાના ચાર ગેટમાંથી બે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને અન્ય બે ગેટ પરથી લોકોને બહાર નીકળવા માઈકમાં સૂચના આપવામાં આવી હતી. મેળાનો છેલ્લો દિવસ હોવાને લીધે સાંજ બાદ પગ મુકવાની પણ જગ્યા ન રહેતા એન્ટ્રી બંધ કરી દેવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી જો કે છ દિવસના રસરંગ મેળાએ કાઠીયાવાડીઓને લીલાલહેર કરાવ્યા હતા.

લોકોએ છુટ્ટા હાથે પૈસા વાપરતા ધંધાર્થીઓને કરોડોની કમાણી થઈ છે. જેને પરિણામે સ્થાનિક અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળ્યું છે.લોકમેળામાં પ્રથમ દિવસથી જ ચિક્કાર ભીડ જોવા મળી હતી. મેળાનો જલસો જામતા મેઘરાજાએ પણ તેમાં વિઘ્ન પાડવાનું મોકૂફ રાખ્યું હોય લોકોએ મનભરીને આનંદ અને ઉલ્લાસ સાથે મેળાને માણ્યો હતો. આ મેળામાં કલેકટર અને પ્રાંત અધિકારીની મહેનત રંગ લાવી છે. તેઓનું સુચારુ આયોજન ઉડીને આખે વળગે તેવું હતું. બીજી તરફ પોલીસે પણ કાબીલદાદ કામગીરી કરી હતી.

મેળામાં 40 બાળકો ગૂમ થયાની કંટ્રોલરૂમ પર જાણ કરાઈ હતી અને આ બાળકોનો બાદમાં વાલીઓ સાથે ભેટો કરાવાયો હતો. મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરી ઉપરાંત મેડીકલ ટીમ દ્વારા સ્થળ પર સારવારની સુવિધા રખાઈ હતી જેમાં નાની ઈજાઓ કે ચક્કર આવવા,ડિહાઈડ્રેશન જેવા કેસમાં આશરે 100 વ્યક્તિઓને સારવાર અપાઈ હતી. મેળામાં વર્ષો જુનો મેદનીનો ક્રમ જળવાયો હતો, સવારના સમયે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોનું પ્રમાણ ખાસ્સુ વધારે રહ્યું હતું. જ્યારે સાંજ બાદ શહેરીજનો બની ઠનીને મેળામાં મોડી રાત્રિમાં મેળો બંધ કરવાની જાહેરાત થાય ત્યારે માંડ બહાર નીકળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.