સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ પણ જાહેર કરી દેતાં નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી
બે મહિલાને રિપીટ કરાઈ: કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તો 19મીએ મતદાન અન્યથા તમામ બિનહરિફ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની આગામી 19મી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા થવાની છે. તે પૂર્વે આજે રાજકોટ શહેર ભાજપના નવ નિયુક્ત પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા ભાજપના 12 ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. જેમાં બે મહિલા સભ્યોને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપના તમામ ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39 કલાકના શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. જો કોંગ્રેસ દ્વારા એકપણ ઉમેદવારનું ફોર્મ ભરવામાં નહિં આવે તો તમામ બારેય ઉમેદવારોને બિન હરિફ જાહેર કરવામાં આવશે. અન્યથા 19મી જૂનના રોજ 12 સભ્યો માટે ચૂંટણી યોજાશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે આગામી 19મી જૂનના રોજ યોજાનારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 12 ઉમેદવારોના નામ તથા સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવાર તરીકે વોર્ડ નં.14માંથી પ્રવિણભાઇ નિમાવત, વોર્ડ નં.9માંથી વિક્રમભાઇ પુજારા, વોર્ડ નં.2માંથી વિક્રમસિંહ જાડેજા, વોર્ડ નં.6માંથી વિરમભાઇ રબારી, વોર્ડ નં.7માંથી ઇશ્ર્વરભાઇ જીત્યા, વોર્ડ નં.3માંથી હિતેશભાઇ રાવલ, વોર્ડ નં.1માંથી રસિકભાઇ બદ્રકીયા, વોર્ડ નં.7માંથી પૂર્વ કોર્પોરેટર અજયભાઇ પરમાર, વોર્ડ નં.12માંથી મનસુખભાઇ વેકરિયા, વોર્ડ નં.10માંથી સંગીતાબેન છાંયા, વોર્ડ નં.9માંથી જાગૃત્તિબેન ભાણવડીયા અને વોર્ડ નં.2માંથી સુરેશભાઇ રાઘવાણીની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
તમામ બારેય ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39 કલાકના શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભરશે. સરકાર નિયુક્ત સભ્ય તરીકે વોર્ડ નં.14ના જયદીપભાઇ જલુ, વોર્ડ નં.10ના સંજયભાઇ ભાયાણી અને વોર્ડ નં.3ના જગદીશભાઇ ભોજાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ગત મહિને શિક્ષણ સમિતિના તમામ 15 સભ્યોના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. જે પૈકી સંગીતાબેન છાંયા અને જાગૃત્તિબેન ભાણવડીયાને રિપીટ કરવામાં આવ્યા છે. સમિતિમાં મહિલાઓનું સંખ્યાબળ ઘટ્યું છે. ગત વખતે ત્રણ મહિલાઓ હતી જે પૈકી બિનાબેન કોટકને ફરી રિપીટ કરાયા નથી. જ્યારે અન્ય બે મહિલા સભ્યોને ફરી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જો કોંગ્રેસ દ્વારા એકપણ ઉમેદવાર ફોર્મ નહિં ભરે તો શિક્ષણ સમિતિના તમામ બારેય ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવશે. અન્યથા 19મીએ મતદાન કરવાની ફરજ પડશે. આવતીકાલે ફોર્મ ભરાશે અને 9મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
ઉમેદવારો – સભ્યોની શૈક્ષણિક લાયકાત ધોરણ-9 થી એમ.કોમ. એમ.એડ
શિક્ષણ સમિતિના 12 ઉમેદવારો અને ત્રણ સરકાર નિયુક્ત સભ્યોની શૈક્ષણિક લાયકાત પર નજર કરવામાં આવે તો ધોરણ-9 સુધીનો અભ્યાસ કરેલા કાર્યકરથી માંડી એમ.કોમ.એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ ધરાવતા વ્યક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સરકાર નિયુક્ત સભ્ય સંજયભાઇ ભાયાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને એમ.કોમ.એમ.એડ. સુધીનો અભ્યાસ ધરાવે છે. જ્યારે સભ્ય તરીકે જે 12 નામો જાહેર કરવામાં આવ્યા છે તેમાં પૂર્વ કોર્પોરેટર અજયભાઇ પરમાર સૌથી ઓછો અભ્યાસ ધોરણ-9 પાસનો ધરાવી રહ્યા છે. જ્યારે રસિકભાઇ બદ્રકીયા એસ.એસ.સી. અને જગદીશભાઇ ભોજાણીનો અભ્યાસ પણ એસ.એસ.સી. સુધીનો છે.
વિધાનસભા પશ્ચિમમાંથી 10 કાર્યકરો અને પૂર્વમાંથી માત્ર એક જ કાર્યકરને શિક્ષણ સમિતિમાં લેવાયા
શિક્ષણ સમિતિની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજે 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિધાનસભા પશ્ર્ચિમ બેઠકનો દબદબો જોવા મળી રહ્યો છે. જ્યારે પૂર્વ બેઠકની માત્ર નામ પૂરતી હાજરી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર નિયુક્ત ત્રણ સભ્યોની ગણતરી કરવામાં આવે તો 15 પૈકી 12 સભ્યો તો માત્ર વિધાનસભા પશ્ર્ચિમના રહેવાસી છે. જ્યારે 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાંથી બે કાર્યકર, 70-રાજકોટ દક્ષિણ બેઠકમાંથી બે કાર્યકર અને 68-રાજકોટ પૂર્વ બેઠકમાંથી એક કાર્યકરને શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ચેરમેન પદ માટે વિક્રમ પુજારા અને પ્રવિણ નિમાવત દાવેદાર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 ઉમેદવારો અને સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે કાર્યકરોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો અંગે ચર્ચાઓ શરૂ થઇ જવા પામી છે. ચેરમેન પદ માટે બે નામો ચર્ચાઇ રહ્યા છે. જેમાં એમએબીએડ સુધીનો અભ્યાસ ધરાવતા પ્રવિણભાઇ નિમાવત અને બી.કોમ. એલ.એલ.બી. સુધીનો અભ્યાસ ધરાવતા વિક્રમભાઇ પુજારાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે જાગૃત્તિબેન ભાણવડીયાની મજબૂત દાવેદારી છે. જે રિતે સંગીતાબેન છાંયાને ફરી શિક્ષણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે તે જોતા તેઓની દાવેદારી પણ વાઇસ ચેરમેન પદે માનવામાં આવે છે.