આયુર્વેદિક હોસ્પિટલમાં લોકોને પંચકર્મ, યોગ સહિતની ચિકિત્સા પઘ્ધતિથી સારવાર કરાશે
એલોપેથી સારવારની ભરમાર વચ્ચે રાજય સરકાર દ્વારા લોકોને આયુર્વેદિક ચિકિત્સા પઘ્ધતિ તરફ વાળવા રાજયમાં ૧૨ નવી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવા જઈ રહી છે.જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓનો સમાવેશ કરી રૂ.૧૦ કરોડનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે.
રાજય સરકારના સતાવાર સુત્રોમાં જણાવ્યા મુજબ લોકોનું આરોગ્ય તંદુરસ્ત બને તે માટે સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુર્વેદિક હોસ્પિટલો શરૂ કરવા યોજના બનાવી છે.
જે અંતર્ગત પ્રારંભીક તબકકે દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, તાપી, સુરત, મહેસાણા, લુણાવાડા, મોડીલા અને છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ૧૨ નવી આયુર્વેદિક હોસ્પિટલો શરૂ કરવામાં આવશે.૫૦ બેડની આ આધુનિક હોસ્પિટલો માટે સરકારે ૧૦ કરોડનું ફંડ પણ ફાળવી દીધું છે.
દરમિયાન આ આયુર્વેદિક હોસ્પિટલમાં લોકોને વેલનેસ કિલનીક, પંચકર્મ થેરાપી, થેલેસેમિયા સ્પેશિયાલીટી થેરાપી, યોગથેરાપી, રીપાલન ચિકિત્સા તેમજ ઉપચારક અને નિવારક પઘ્ધતિથી સારવાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજયમાં હાલમાં દર વર્ષે ૨ લાખ લોકો એલોપેથીની બદલે આયુર્વેદિક પઘ્ધતિ મુજબ સારવાર લઈ પોતાના સ્વાસ્થ્યને વધુ તંદુરસ્ત બનાવી રહ્યા છે.હાલમાં રાજયમાં આયુર્વેદિક શિક્ષણમાં ૩૦૦ યુ.જી. બેઠક અને ૪૧ પી.જી. બેડ છે.
અમદાવાદમાં બે આયુર્વેદિક હોસ્પિટલ આવેલ છે ત્યારે વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળે તે માટે સરકાર દ્વારા આ નવા અભિગમ સાથે આયુર્વેદિક હોસ્પિટલો શરૂ કરવા નિર્ણય કર્યો હોવાનું સુત્રોએ અંતમાં જણાવ્યું હતું.