કલેકટરનાં આદેશથી ૨૩ પાન-બીડીના હોલસેલરોની દુકાનમાં પાળવામાં આવેલા દરોડા બાદ ૬ દુકાનોનો રીપોર્ટ જાહેર, ૧.૨૮ કરોડનો સ્ટોક નોંધાયો
જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં આદેશથી ગઈકાલે વેરાવિભાગ દ્વારા ૨૩ પાન-બીડીનાં હોલસેલરોની દુકાનોમાં પાડવામાં આવેલા દરોડા બાદ આજે ૬ દુકાનોનાં રીપોર્ટ જાહેર થયા છે. આ ૬ દુકાનોમાં ૧૨.૨૩ લાખની કરચોરી ઝડપાઈ છે અને આ દુકાનોમાંથી કુલ ૩૮ લાખની વેરા વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આ દુકાનોમાં પાન-બીડીનો રૂા.૧.૨૮ કરોડનો સ્ટોક હોવાનું પણ નોંધાયું છે.
પાન-બીડી, તમાકુનાં કાળાબજાર અને સંગ્રહખોરીનાં પ્રશ્ર્નને નિવારવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખાસ કાર્યવાહીનાં આદેશો કરતા ગઈકાલે વેરા વિભાગ અને નાયબ મામલતદારોની ટીમો દ્વારા શહેરની ૨૩ એજન્સીઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તપાસની કામગીરી હજુ પણ ચાલુ છે. ૬ એજન્સીઓમાં તપાસ પૂર્ણ થઈ ગઈ હોય ટીમો દ્વારા રીપોર્ટ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં જણાવ્યા મુજબ ૬ દુકાનોમાં ૨૫.૭૮ લાખનો કરવેરો ભરવાનો બાકી હોય તેની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત ૧૨.૨૩ લાખની કરચોરી પણ ઝડપાઈ છે આમ કુલ ૩૮.૦૧ લાખની કરવેરા વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત આ ૬ દુકાનોમાં ૧.૨૮ કરોડનો માલનો સ્ટોક નોંધાયો છે. હાલ ૧૭ એજન્સીઓનો રીપોર્ટ જાહેર થવાને વાર છે જે આજ સાંજ સુધીમાં જાહેર થાય તેવી શકયતા સેવાઈ રહી છે.