Abtak Media Google News
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં 12.20 કરોડ વૃક્ષો વવાશે
  • ‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં જન આંદોલન સ્વરૂપે વિસ્તારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં આખરી ઓપ અપાયો
  • અમદાવાદ મહાનગરપાલિકા આ અભિયાન અન્વયે 100 દિવસમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર કરશે
    ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ કેમ્પેઈન કરાશે

આગામી વન મહોત્સવ અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી રાજ્યવ્યાપી અભિયાન ‘એક પેડ માં કે નામ’ વન વિભાગ શરૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂને વડાપ્રધાનએ આ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના આ પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનને જન આંદોલન સ્વરૂપે વિસ્તારવાનો નિર્ધાર કર્યો છે.

Modi launches 'Ek Ped Maa Ke Naam', boosts India's green cover

મુખ્યમંત્રીએ રાજ્યના વન વિભાગ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના આયોજનને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ અભિયાન અન્વયે ‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંદર્ભમાં ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાનો અને માર્ચ-2025 સુધીમાં કુલ મળીને 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં વન વિભાગ તરફથી થયેલા વૃક્ષ વાવેતરની વિગતો આપતાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના ‘મેરી લાઇફ’ પોર્ટલ પર દેશભરનાં રાજ્યોમાં વૃક્ષ વાવેતરની જે વિગતો નોંધાયેલી છે તે મુજબ અત્યાર સુધીમાં ગુજરાતે 4 કરોડ 3 લાખ 33 હજાર વૃક્ષો 33 જિલ્લાઓમાં વાવીને સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં યોજાનારા 75 મા વન મહોત્સવ દરમિયાન પણ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને તાલુકા, ગ્રામ્ય સ્તરના વન મહોત્સવો સુધી વિસ્તારવામાં આવશે અને સમગ્રતયા 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરાશે એમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પર્યાવરણ અનુકૂલન જીવનશૈલી ‘મિશન લાઈફ’ માટેની પણ પ્રેરણા આપી છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ આ પર્યાવરણપ્રિય વિચારોને આગળ ધપાવતાં અમદાવાદ મહાપાલિકાએ ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ‘મિશન થ્રી મિલિયન ટ્ર્રીઝ’નું બહુઆયામી આયોજન કર્યું છે. 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવેતરનો આ નવતર અભિગમ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે. મહાનગરના 48 વોર્ડ્સ, સાત ઝોન મળીને અંદાજે 15 થી 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં આ વૃક્ષો વાવવાનું આયોજન છે. આ વૃક્ષોનું વાવેતર થતાં અમદાવાદ નગરના હાલના ગ્રીન કવરમાં 6 થી 8 ટકાનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં બાગ-બગીચા, તળાવો, મહાનગરપાલિકાની માલિકીના પાર્ટીપ્લોટ, બિલ્ડિંગ, શાળા સંકુલો, રોડ સાઈડ પ્લાન્‍ટેશન તેમજ મિયાંવાકી પદ્ધતિથી વૃક્ષ વાવેતર વગેરેમાં મોટાપાયે જન ભાગીદારી જોડવા પણ બેઠકમાં સૂચનો કર્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દરેક અભિયાનમાં જેમ ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પણ વધુ ને વધુ વૃક્ષો વાવીને અગ્રેસર રહે તેવા સુદ્રઢ આયોજન માટે વન વિભાગ સહિતના સંબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ દિશાનિર્દેશો આપ્યા હતા.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અગ્ર સચિવઓ સર્વ મોના ખંધાર, અશ્વિની કુમાર, સંજીવ કુમાર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વન વિભાગના તથા અમદાવાદ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.