ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની આજથી પુરક પરીક્ષા ચાલુ થઈ છે. આજ થી ૧૪મી જુલાઈ સુધી ચાલનારી પુરક પરીક્ષા માટે ડીઈઓ કચેરીની ટીમ ખડેપગે છે.
રાજકોટમાં ધો.૧૦માં ૧૦ કેન્દ્ર પરથી ૫૬૧૩ વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપનાર છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૮ કેન્દ્ર પરથી ૪૬૩૧ જયારે વિજ્ઞાન પ્રવાહમાં ૫ કેન્દ્ર પરથી ૧૮૦૨ છાત્રો પુરક પરીક્ષા આપનાર છે. ધો.૧૦-૧૨ની પુરક પરીક્ષા માટે કરણસિંહજી હાઈસ્કુલ પર ઝોન ઉભો કરાયો છે જયાં ધો.૧૦નાં ઝોનલ અધિકારી તરીકે નમ્રતાબેન મહેતા અને ધો.૧૨નાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનાં ઝોનલ અધિકારી તરીકે વિપુલ મહેતાની નિમણુક કરવામાં આવી છે.
ધો.૧૦માં આજે ગુજરાતી, આવતીકાલે સામાજીક વિજ્ઞાન, ૧૩મીએ ગણિત અને ૧૪મીએ ગુજરાતી વિષયનું પેપર લેવામાં આવશે. જેનો સમય બપોરે ૩:૦૦ થી ૬:૨૦ વાગ્યા સુધીનો રહેશે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં આજે સવારે ૧૦:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી ગણિત અને ૩ થી ૬:૩૦ સુધી જીવવિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. આવતીકાલે ૧૦:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી રસાયણ વિજ્ઞાન, ૩ થી ૬:૩૦ દરમિયાન અંગ્રેજીનું પેપર જયારે ૧૩મીએ સવારે ૧૦:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી ગુજરાતી તેમજ ૧૦:૩૦ થી ૧૨:૪૫ સુધી કોમ્પ્યુટર એજયુકેશન અને ૩ થી ૬:૩૦ દરમિયાન ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. સામાન્ય પ્રવાહનાં તમામ પેપર બપોરે ૩ થી ૬:૧૫ સુધી લેવામાં આવશે.