- 38 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં જાડા રીંકલ પ્રથમ: 37.55 મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં ગજેરા જશુબેન પ્રથમ
- 39 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા 1193 સ્પર્ધકોએ દોટ મુકી હતી.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 38 મીનીટના સમય સાથે ની જાડા રીંકલે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં વાઘેલા શૈલેષભાઈએ 59.14 મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ગજેરા જશુ એ 37.55 મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં સોલંકી અજયકુમારે 1.4.20 મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
પવિત્ર ગિરનારની ભુમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો.
આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કંઠેસીયા નીતા, તૃતીય ક્રમે જૂનાગઢના કથુરીયા સાયરા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરસોમનાથના મેવાડા ધર્મેશકુમાર, તૃતીય ક્રમે ગીરસોમનાથના ચાવડા વીગ્નેશ રહ્યા છે.
જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ગરચર દીપાલી, તૃતીય ક્રમે જૂનાગઢના કામરીયા જયશ્રી રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજસીંહ, અને તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યેશ રહ્યા હતા.
વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા,જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ તકે અધ્યક્ષીય પ્રવચનમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લઈ અને રમવું એ આપણી ફરજ છે. તેમણે જણાવ્યુ હતુ કે, રમત ગમત ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે જૂનાગઢના ઝફર મેદાન ખાતે સ્પોર્ટસ સંકુલ વિકસાવવા માટે રાજ્ય સરકારે રૂ. 19 કરોડનું અનુદાન ફાળવ્યુ છે.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ રાજ્યભરમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોની શારીરિક અને માનસિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે ખૂબ જ ઓછા સમયમાં વીજળીના વેગે ગિરનાર આરોહણ અવરોહણ એ ખૂબ જ કઠિન છે. .
જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રમત ગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે એ માટે પ્રોત્સાહન આપી રહી છે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે.
સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.