મેટોડાની પીવીસી પાઇપની પેઢીના બેન્ક ખાતામાંથી રૂ.૨૦ લાખની થયેલી ઓનલાઇન ઠગાઇના કેસની તપાસમાં મહત્વનો આદેશ: તા.૨૪મીએ વધુ સનાવણી: પોલીસ કમિશનરના સીધા માર્ગ દર્શન હેઠળ તપાસ ચાલુ રાખવા હુકમ
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા પદ્મનાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં રાજેન્દ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝના દેના બેન્કના ખાતામાંથી ગત ફેબ્રુઆરીમાં થયેલી ઓનલાઇન રૂ.૨૦ લાખની ઠગાઇ અંગે સાઇબર ક્રાઇમનો નોંધાયેલા ગુના અંગે હાઇકોર્ટમાં દાખલ થયેલી પીટીશનમાં સાઇબર ક્રાઇમની તપાસ પોલીસ કમિશનરના સિધા માર્ગ દર્શન હેઠળ અને નિષ્ણાંતોની મદદ લઇ ગુનાના મુળ સુધી પહોચવા મહત્વનો હુકમ કર્યો છે.
પદ્મનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર જયદીપ વ્રજલાલ દેપાણી મેટોડા ખાતેની પેઢીનું બેન્ક એકાઉન્ટ પરા બજાર ખાતે આવેલી દેનાબેન્કમાં ધરાવે છે. તેઓની પેઢીના બેન્ક એકાઉન્ટમાંથી ગત ફેબ્રુઆરીના રોજ રૂ.૨૦ ઓનલાઇન ટ્રાન્સફર થયા હતા જે પૈકી રૂ.૧૦ લાખ લખનૌ અને રૂ૧૦ લાખ કલકતા ખાતેની ફેડરલ બેન્ક અને અલ્લાબાદ બેન્કના સેવિંગ એકાઉન્ટમાં જમા થયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જયદીપ દેપાણી પાસે આઇડીયાનું સીમ કાર્ડ હતી તે બે દિવસ બંધ રહ્યું હતું અને ભેજાબાજ ઠગોએ જયદીપ દેપાણીનું આઇડીયામાંથી નવુ સીમ કાર્ડ કઢાવી લીધા બાદ ઠગાઇ કરી હોવાથી આઇડીયા કંપનીના અધિકારીઓની સંડોવણીની શંકા વ્યકત કરી હતી અને પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી હતી.
તેમ છતાં આ દિશામાં તપાસ થઇ ન હોવાથી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાવી છે.જયદીપ દેપાણી વતી એડવોકેટ આશિષ ડગલીએ રાજકોટમાં સાઇબર ક્રાઇમના ગુનાની તપાસ કરી શકે તેવા નિષ્ણાંત અધિકારી ન હોવાનું જણાવી નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાઇબર ક્રાઇમ અંગેનું સા‚ જ્ઞાન ધરાવતા હોવાથી તપાસ ચાલુ રાખવા અને આઇડીયા કંપનીના અધિકારીઓની સંડોવણી અંગે તપાસની માગણી કરી હતી.
સરકાર પક્ષે મિતેશ અમીન અને એમ.ડી.મહેતાએ રાજકોટમાં સાઇબર ક્રાઇમના ગુનાની તપાસ યોગ્ય રીતે થયા તે માટે ગત ૨૫ જુનના રોજ સાઇબર સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે અને પોલીસ કમિશનરના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. એન.એન.ઝાલા અને સ્ટાફ કાર્યવાહી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
બંને પક્ષની દલિલ સાંભળી હાઇકોર્ટ જસ્ટીશ સોનિયાબેન ગોકાણીએ સાઇબર ક્રાઇમના ગુનાની તપાસ પોલીસ કમિશનરના સિધા માર્ગદર્શન હેઠળ કરવા અને જરૂર પડે ત્યાં સાઇબર ખાનગી નિષ્ણાંત વ્યક્તિઓની મદદ લેવા તેમજ પોલીસ ઇન્સ્પેકટર અને પી.એસ.આઇ. કક્ષાના અધિકારીઓને સાઇબર ક્રાઇમના ગુના અંગે જરૂરી માર્ગ દર્શન, વર્કશોપ અને તાલિમ આપવા અનુરોધ કરી વધુ સુનાવણી તા. ૨૪ ઓગસ્ટ સુધી મોકુફ રાખી છે.