દેશના નાગરિકોએ ઓથેન્ટીકેશન માટે આધારનો ૧૨૧૬ કરોડ વખત ઉપયોગ કર્યો: સુપ્રીમમાં આધારકાર્ડની સચ્ચાઈ રજૂ કરતી કેન્દ્ર સરકાર

આધાર કાર્ડને વડી અદાલતમાં આધાર અપાવવા કેન્દ્ર સરકારે ન્યાયાધીશો સમક્ષ આંકડાકીય વિગતો રજૂ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રિમને કહ્યું છે કે, દેશના ૧૧૮.૬૪ કરોડ નાગરિકો એટલે કે, ૮૮ ટકા જનતાએ આધારને સ્વીકાર્યું છે. આ નાગરિકોએ આધારનો ઓથોરાઈઝેશન માટે ૧૨૧૬ કરોડ વખત ઉપયોગ કર્યો હોવાનું પણ ઉમેર્યું છે.

કેન્દ્ર સરકારે એફિડેવીટમાં કહ્યું છે કે, આજની સ્થિતિએ આધારના માધ્યમથી ઓથેન્ટીકેશનની સંખ્યા ૧૨,૧૬૮,૦૨૨,૧૭૨ છે. ભારતીય નાગરિકોએ આધારનો ઓથેન્ટીકેશન માટે ૧૨૧૬ કરોડ વખત ઉપયોગ કર્યો છે અને તેમણે આધાર હેઠળ મળતા લાભ લીધા છે. ઈ-કેવાયસીના માધ્યમથી ૧૨.૬૪ કરોડ બેંક એકાઉન્ટ ખુલ્યા હોવાનું પણ કેન્દ્ર સરકારે એફિડેવીટમાં ટાકયું છે.

ઓકટોબર ૧૫ સુધીમાં દેમાં ૫૪.૨૫ કરોડ બેંક ખાતાઓ આધાર સાથે લીંકઅપ થયા હોવાનું કેન્દ્રનું કહેવું છે. જેમાં ૩૦.૫૪ કરોડ જનધન એકાઉન્ટ છે. જયારે ૧૮.૯૭ કરોડ સામાન્ય એકાઉન્ટ છે જે આધાર સાથે જોડાયેલા છે. અનેકને રોજગારી પુરી પાડતી યોજના મનરેગામાં પણ આધારથી વેતન આપવામાં સરળતા થઈ રહી છે. દેશમાં કુલ ૨.૮૩ કરોડ પેન્શનરમાંથી ૧.૪૮ કરોડ પેન્શનરો આધારના માધ્યમથી લાભ સીધા બેંક એકાઉન્ટમાં મેળવે છે. દેશના ૧.૩૬ કરોડ નાગરિકોએ આધાર ઓથોન્ટીકેશનના માધ્યમથી પાસપોર્ટ મેળવ્યો છે.

આધાર ઈ-કેવાયસી સર્વિસના માધ્યમથી દેશમાં ૫૦ કરોડ સીમકાર્ડ ઈસ્યુ થયા છે. દેશમાં અનેક લાભાર્થીઓને આધાર સાથે જોડાયેલા બેંક એકાઉન્ટના માધ્યમથી સહાય સીધી ખાતામાં પહોંચી રહી છે. જેનાથી ભ્રષ્ટાચાર નાથવામાં મદદ મળી હોવાનો દાવો પણ કરાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ના સમયગાળામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની અરજીના પગલે કેન્દ્રએ સુપ્રિમ સમક્ષ આંકડા રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારે ઉમેર્યું છે કે, આધાર અને પાન લીંકઅપ કરવાના કારણે એકથી વધુ પાનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. સરકારને આ કાર્યવાહીમાં ૧૩.૩૫ લાખ ડુપ્લીકેટ પાનકાર્ડ મળી આવ્યા છે. બોગસ પાનકાર્ડના કારણે દેશમાં અનેક સેલ કંપનીઓ ઉભી થઈ હતી. જે કંપનીઓ કાળા નાણાનો વહિવટ કરતી હતી. આધાર કાર્ડના કારણે આવા કૌભાંડો ઉપર રોક લગાવવામાં સરકારને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.