તાઉતે વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન ભોગવવાનો વારો મત્સ્ય ઉદ્યોગને આવ્યો છે અને તેની સાથે સંકળાયેલા લોકો આ મુશ્કેલીમાંથી બહાર આવે તે માટે રાજ્ય સરકારે 105 કરોડથી વધુની સહાય પેકેજ જાહેર કર્યું હોવાનું રાજ્યના કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે.
રાજ્યના કેબિનેટ મંત્રી જવાહાર ચાવડાના નિવાસસ્થાને મળેલ પત્રકાર પરિષદમાં ચાવડાએ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજ્યના 4 બંદરો ઉપર 117.95 કરોડનું નુકસાન થયું છે. એ પૈકી નવાબંદર માં રૂ. 5.75 કરોડ જાફરાબાદમાં રૂ. 80.80 કરોડ, સૈયદ રાજપરામાં રૂ. 17.60 કરોડ અને શિયાળબેટ માં રૂ. 13.80 કરોડનું નુકસાન થયું છે.
કેબિનેટ મંત્રી ચાવડાના જણાવ્યા અનુસાર તાઉતે વાવાઝોડામાં કુલ 13 બંદરો અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રને અસર થઈ છે જેમાં અમરેલી જિલ્લામાં જાફરાબાદ શિયાળ બેટ તેમજ ગીર સોમનાથ જિલ્લામાાં વેરાવળ, સુત્રાપાડા, રાજપરા, સીમર, નવાબંદર, માઢવાડ, કોટડા તથા ભાવનગર જિલ્લામાં ઘોઘા, સરતાનપુર, મહુવા બંદર ને અસર થઈ છે. જેમાં સૌથી વધુ 80.80 કરોડનુંનો નુકશાન જાફરાબાદમાં થવા પામ્યું છે.
દરમિયાન રાજ્ય સરકારે મોટી બોટ માટે નુકસાની મુજબ બે લાખ સુધીની સહાય અને નાની બોટ માટે 35 હજાર સુધીની સહાય જાહેર કરી છે, આ ઉપરાંત બોટ રીપેરીંગ માટે જે લોન લેવાશે તેનું વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. તેમજ જેની સીઝન બગડી છે તેવા 8 હજાર માછીમારોને રૂપિયા બે બે હજારની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે જાફરાબાદમાં આવેલ 8 જીંગા ફાર્મ ને પણ નુકસાન થયું હોય તેમને હેક્ટર દીઠ રૂ. 8 હજારની સહાય ચૂકવવામાં આવશે. આમ કુલ મળી રાજ્ય સરકારે રૂ. 105 કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું હોવાનું કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું.