સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સીસ ઓથોરીટીના નિયમાનુસાર બાલાશ્રમ દત્તક આપવા બદલ રૂ.૫૩ હજાર સુધીની રકમ લઈ શકે છે પરંતુ ૧૦૯ વર્ષથી કાર્યરત આ બાલાશ્રમ એક રૂપિયો પણ લેતુ નથી
સંતાન સુખએ વિશ્ર્વનું શ્રેષ્ઠ સુખ છે. જે પૈસાથી ખરીદી શકાતુ નથી. આર્થિક રીતે કુટુંબો પણ બાળક માટે તડપતા હોય છે. અનાથ બાળકો પણ મા-બાપના પ્રેમ માટે વલખા મારતા હોય છે ત્યારે નિરાશ્રીત બાળકોનો છેલ્લા ૧૦૯ વર્ષથી કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ઉછેર કરી રહ્યું છે. જે બાળક ઈચ્છતા મા-બાપ અને માતા-પિતાનો પ્રેમ ઝંખતા અનાથ બાળકોનું મિલન કરાયું છે. છેલ્લા ૬૦ વર્ષનારેકોર્ડ મુજબ બાલાશ્રમે ૧૧૬૦ બાળકોને દતક આપ્યા છે.જેમાંના ૨૮૫ બાળકોને વિદેશમાં દતક અપાયા છે. સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સીસ ઓથોરીટીએ જાહેર કરેલા નિયમ મુજબ બાળકને દતક આપવા બદલ બાલાશ્રમ ૧૧૬૦ હજાર સુધીની રકમ વસુલી શકે છે. પરંતુ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ દ્વારા આજ સુધી એક પણ ‚પિયો લીધા વગર વિનામુલ્યે સેવા કરવામાં આવી રહી છે.
કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના સેક્રેટરી ચંદ્રાકાન્તભાઈએ જણાવ્યું હતું કે, લોકો ત્રણ રીતે બાળક દતક લેવાનું વિચારે છે. જેને પોતાનું બાળક થતું જ ન હોય, તેમજ બાળકોને જન્મ આપી શકે એમ હોય, પણ કસ્ટ સહન ન કરવુ હોવાથી અને વસ્તી વધુ હોવાથી નવા બાળકોને જન્મ આપવાનું ટાળતા હોવાથી બાળક દતક લેવામાં આવે છે. આમ વિવિધ વિચારધારાઓથી બાળકોને દતક લેવામાં આવે છે. પહેલા કરતા અત્યારે જન્મદર ઘટયો છે. જવેનિલ જસ્ટીસ એકટ-૨૦૧૫ હેઠળ દતકની પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ થઈ છે. બાળકને દતક લેવા માટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સીસ ઓથોરીટીમાં ઓનલાઈન એપ્લીકેશન ભરવાની રહે છે. જેની સાથે આવકનો દાખલો, પ્રોપર્ટીનો દાખલો, આધારકાર્ડ અને મેડિકલ સર્ટીફીકેટ અપલોડ કરવાનું હોય છે.
ત્યારબાદ હોમસ્ટડી રીપોર્ટ કરાવવા માટે એક સંસ્થાની પસંદગી કરવાની હોય છે. જે સંસ્થાની પસંદગી કરવામાં આવે તે સંસ્થાનો સોશિયલ વર્કર એપ્લીકેશન કરવાનું ઘરે વેરીફીકેશન કરી હોમ સ્ટડી રીપોર્ટ તૈયાર કરે છે. જો એપ્લીકેશન કરનાર બાળકને દતક લેવા સક્ષમ હોય તો તેનો સમાવેશ દતક લેનારની હરોળમાં કરવામાં આવે છે. જયારે આ હરોળમાં વારો આવે ત્યારે બાળકો ઓનલાઈન દેખાડવામાં આવે છે. જેમાંથી બાળક પસંદ કરવાનું હોય છે. ત્યારબાદ સુચવવામાં આવેલી સંસ્થામાં જવાનું હોય છે ત્યાં સંસ્થા દ્વારા દતક લેવા ઈચ્છુકનું ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. સીંગલ મેલ કોઈ દિકરીને દતક લઈ શકે નહીં અને સીંગલ ફિમેલ કોઈ દિકરાને દતક લઈ શકે નહીં. બાળક અને દતક લેનાર વચ્ચે ૨૧ વર્ષની ઉંમરનો તફાવત હોવો જ‚રી છે. સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સીસ ઓથોરીટીના નિયમાનુસાર એક બાળક દતક દેવા બદલ ૫૩ હજાર સુધીની રકમ લઈ શકે છે. પરંતુ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ દ્વારા વિનામૂલ્યે બાળક દતક દેવામાં આવે છે. કોઈ એનઆરઆઈને બાળક દતક લેવુ હોય તો તેની કાર્યવાહી જુદી હોય છે. જે તે દેશમાં ભારત સરકારે રેકગ્નાઈઝ એજન્સીનું લાઈસન્સ આપ્યું હોય છે. આ રેકગ્નાઈઝ એજન્સીમાં એનઆરઆઈએ અરજી કરી તમામ ડોકયુમેન્ટસ પુરા પાડવાના હોય છે. ત્યારબાદ તે દેશનો ગૃહ વિભાગ તૈયાર થયેલા રીપોર્ટને એપ્રુવ કરે છે. એપ્રુવ થયેલા રીપોર્ટને સરકારની મંજુરી મળે ત્યારબાદ રીપોર્ટ સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સીસ ઓથોરીટીને મળે છે.
કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ છેલ્લા ૧૦૯ વર્ષથી કાર્યરત છે. જેમાના છેલ્લા ૬૦ વર્ષનો રેકોર્ડ હયાત છે. ૬૦ વર્ષ દરમ્યાન કુલ ૧૧૬૦ બાળકો દતક દીધા છે. જેમાન ૨૮૫ બાળકોને વિદેશમાં દતક લીધા છે. બાળકને દતક લીધા પછી ત્રણ વર્ષ સુધી દર ત્રણ મહિને સંસ્થાને ફોલોઅપ રીપોર્ટ આપવાનું રહે છે. ફોલોઅપ રીપોર્ટમાં બાળકની હાઈટ, વેઈટ અને કેટલુ બોલતા શીખ્યો, અભ્યાસ, હેલ્થ અને તાજેતરના ફોટા મોકલવાના રહે છે. પછીના ત્રણ વર્ષ દરમ્યાન વર્ષમાં એકવાર ફોલોઅપ રીપોર્ટ મોકલવાના રહે છે અને સોશિયલ વર્કર તે બાળકનું વર્ષ દરમ્યાન ફીઝીકલ વેરીફીકેશન કરે છે.
હાલમાં સંસ્થામાં ૧૭૪ બાળકો છે. જેમાંના ચાર બાળકો દતકને પાત્ર છે. બાળકોના વાલી હયાત હોય તે બાળકો દતકપાત્ર હોતા નથી. સરેરાશ દર વર્ષે આ સંસ્થામાં ૧૫ થી ૨૫ નિરાશ્રીત બાળકો આવતા હોય છે. જેમાં ૩ થી ૪ બાળકો નાના હોય છે. જેને ઘોડીયાઘરમાં રહેવાનું હોય છે. વધુમાં સંદેશો આપતા જણાવ્યું હતું કે જે લોકો બાળકનો ઉછેર કરવામાં અસક્ષમ છે. તેઓ જંગલ કે ઝાડીઓમાં બાળકને ન છોડો. બાળક અમને સોંપી દો. કારણકે આર્થિક રીતે સુખી સંપન્ન લોકો પણ બાળક માટે તડપે છે. આ ઉપરાંત જો બાળક ન થતા હોય તો મેડિકલ ખર્ચ કરવા કરતા વહેલી તકે બાળક દતક લેવાની અરજી કરવી જોઈએ.