- અમદાવાદ સહિત રાજયના 38 શહેરોમાં રેનબસેરા કાર્યરત જ્યાં રોજ 10 હજાર લોકો મેળવે છે આશરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ઘરવિહોણા ગરીબોની ચિંતા કરી છે અને વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આ જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે માથે છતનો આધાર આપવા માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે, જેમાં દરરોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે. રાજ્ય સરકારે ઘરવિહોણા શહેરીજનોને આશરો આપવા માટે રાજ્યના કુલ 38 શહેરોમાં અત્યારસુધીમાં કુલ 120 રેનબસેરાઓના નિર્માણને મંજૂરી આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ 120 રેનબસેરાઓ માટે કુલ 435.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 219 કરોડ સંબંધિત મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ફાળવી દેવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ 21,426 લોકોના રહેવા માટેની ક્ષમતા ધરાવે છે.
રાજ્યમાં કાયમી રીતે સ્થપાયેલ કુલ 87 શેલ્ટર હોમ તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે. આ શેલ્ટર હોમમાં રસોડા અને ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શેલ્ટર હોમમાં આવનાર આશ્રિતોને એક સમયનું (મોટે ભાગે રાત્રિના સમયે) જમવાનું સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરો તથા નાના શહેરોમાં પણ ગામડાઓ સહિત ઘણા અંતરિયાળ સ્થળોએથી લોકો રોજગારી કે મજૂરીકામ માટે આવતા હોય છે અને તેમાંથી અનેક લોકો ઘરવિહોણા હોય છે, જેઓ ફૂટપાથ પર કે કોઈ અન્ય જાહેર સ્થળોએ રાત પસાર કરતા હોય છે. આવા ઘરવિહોણા લોકોને આશરો આપવા માટે જ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને ‘પંડિત દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ઘરવિહોણા લોકોને આશ્રય આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરી ઘરવિહોણા ગરીબો માટે બાંધવામાં આવતાં શેલ્ટર હોમ એ પ્રકારના હોય છે કે જ્યાં આશરો લેનાર વ્યક્તિને ઘર જેવું વાતાવરણ મળે છે. આ શેલ્ટર હોમમાં પૂરી પાડવામાં આવતી આવશ્યક સુવિધાઓમાં (1) હવાની અવર-જવર ધરાવતા ખંડ (રૂમ), (2) પીવા લાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા, (3) સ્નાન અને શૌચાલયની પૂરતી સવલત, (4) ધોરણસરની લાઇટ વ્યવસ્થા, (5) આગ સામે રક્ષણની પૂરતી વ્યવસ્થા, (6) પ્રાથમિક સારવાર કિટ, (7) ગાદલાં, ધાબળા અને ચાદરો તથા તેમની નિયમિત સફાઇની વ્યવસ્થા, (8) ઉધઈ અને મચ્છર સામે રક્ષણની પૂરતી વ્યવસ્થા, (9) રસોઈ માટેની જગ્યા, રસોઈ બનાવવા અને પિરસવા માટેના જરૂરી વાસણો, રાંધણ ગેસના જોડાણ, (10) સરકારી યોજનાઓના લાભો મળી રહે તેની વ્યવસ્થા અને (11) આશ્રિતોના બાળકોને નજીકના આંગણવાડી કેન્દ્રો સાથે જોડાણ દ્વારા બાળ સંભાળની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કયાં શહેરોમાં કેટલા રેન બસેરા?
રાજ્યના જે 38 શહેરોમાં રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં સૌથી વધુ 32 રેન બસેરા અમદાવાદ મહાનગરમાં છે. ત્યાર બાદ સુરત મહાનગરમાં 7, ભાવનગર તેમજ રાજકોટ મહાનગરોમાં 6-6, વડોદરા મહાનગરમાં 5, જૂનાગઢ મહાનગરમાં 4 અને જામનગર મહાનગર તથા પાલનપુર શહેરમાં 2 રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત; ખંભાળિયા, સુરેન્દ્રનગર, લુણાવાડા, રાજપીપળા, મોડાસા, મોરબી, નડિયાદ, નવસારી, જેતપુર, આણંદ, અમરેલી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, ડીસા, પાટણ, ગાંધીનગર, ગોધરા, ગોંડલ, હિંમતનગર, વલસાડ, વાપી અને વ્યારા ખાતે 1-1 રેન બસેરા કાર્યરત છે.