મહેસુલ વિભાગે એકસાથે રાજ્યમાં 1695 કર્મચારીઓને આપ્યા નાયબ મામલતદારના પ્રમોશન : જિલ્લામાં ટૂંક સમયમાં નાયબ મામલતદારોની બદલીના થશે ઓર્ડર
મહેસુલ વિભાગે એકસાથે રાજ્યમાં 1695 કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન આપ્યા છે. જેમાં જિલ્લાના 116 ક્લાર્ક અને તલાટીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી છે. હવે જિલ્લામાં ટૂંક સમયમાં નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થશે તેવું જાણવા મળી રહ્યું છે.
મહેસુલ વિભાગે કર્મચારીઓ માટે આજે સારા સમાચાર જાહેર કર્યા છે. મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 1695 કર્મચારીઓને આજે બઢતી આપવામાં આવી છે. વિવિધ કલેકટર કચેરી અને તેના તાબાની કચેરી હેઠળ આવતા મહેસૂલી તલાટી અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 1695ને બઢતી અપાઈ છે. આ તમામ મહેસૂલી તલાટી અને ક્લાર્કને નાયબ મામલતદાર વર્ગ 3 તરીકે બઢતી અપાઈ છે.
મળતી માહિતી મુજબ મહેસૂલી કારકુન વર્ગ -3 તથા મહેસૂલ તલાટી વર્ગ-3ના (પે પેટ્રિક્સ લેવલ-2, 19000 રૂપિયા) સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર, વર્ગ-3 તાબાની મહેસૂલી સેવા (પે મેટ્રિક્સ લેવલ-7, 39,900 રૂપિયા) સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
મહેસુલ વિભાગ દ્વારા સૂચના પણ જાહેર કરવામા આવી છે કે મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી સંવર્ગના કર્મચારીઓના નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં વિગતવાર નિમણુકના હુકમો હવે પછી સંબંધિત કલેકટર દ્વારા કરવામાં આવશે.આ પત્રકથી આપવામાં આવેલ હંગામી બઢતીઓ સંબંધિત કર્મચારીઓ સામે આ હુકમની તારીખે કોઇ ખાતાકીય ફોજદારી કેસ ચાલુ સુચિત નહિ હોવાની શરતોએ આપવામાં આવેલ હોઇ, આ અંગેની સઘન ખરાઇ સંબંધિત કલેકટરે કરવાની રહેશે.
સરકારે અગાઉથી નક્કી કરેલી મોસમી અને તદ્દન ટુંકાગાળાની કામગીરી માટે મંજૂર થયેલી અને ખાલી રહેતી નાયબ મામલતદાર સંવર્ગની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે કામચલાઉ બઢતી આપવામાં આવેલ છે અને હાલ આવી જગ્યા ઉપર તેઓ ચાલુ છે તેવા કર્મચારીઓને તેઓના મુળ સંવર્ગમાં પરત નિમણુંક આપ્યા બાદ તે અંગેની સંબંધિત કર્મચારીની સેવાપોથીમાં નોંધ કરવી તથા રીવર્ઝન આપ્યાના એક દિવસ બાદ જ આ હુકમથી બઢતી પામેલ કારકુન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓને આપવામાં આવેલ બઢતીની જગ્યા પર નિમણુંક આપવા અંગેના વિગતવાર હુકમો કરવાના રહેશે.
તેમજ આ હુકમથી બઢતી પામેલ કર્મચારીઓ પૈકી આ હુકમની તારીખ અગાઉ ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવાને પાત્ર ન હોઇ તેવા કર્મચારીઓની પગાર બાંધણી નાચબ મામલતદાર સંવર્ગના એન્ટ્રી લેવલ પે (લેવલ-7, રૂ.39,900/-) માં જ કરવાની રહેશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો, માહિતી પ્રમાણે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.