- ફકત 6 માસમાં જ આરટીઓએ ઐતિહાસિક નોટિસો ફટકારી : હવે મામલતદાર કરશે કાર્યવાહી
રાજકોટ જિલ્લામાં ટેક્સ ભર્યા વિના જ દોડતા વાહનો પર આરટીઓ તંત્રે લાલ આંખ કરી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 6 માસ જેવા સમયગાળામાં આરટીઓ કચેરીએ કુલ 1150 જેટલાં વાહનોને ઐતિહાસિક રૂ. 20 કરોડની નોટીસ ફટકારી છે. હવે જો આ વાહનના માલિકો ટેક્સ પેટેની રકમ ભરપાઈ ન કરે તો ટૂંક સમયમાં જ ટેક્સની રકમનો બોજો 25% પેનલ્ટી સાથે મિલ્કત પર લાદવામાં આવશે.
અગાઉ ટેક્સ ભર્યા વિના અઢળક વાહનો દોડતા હતા. કોઈ શું બગાડી લેવાનું તેવું વિચારીને ટેક્સની રકમની ભરપાઈ કરવામાં આવતી ન હતી. ત્યારે આરટીઓએ ટેક્સ પેટેની રકમ ભરપાઈ ન કરી હોય તો રેવન્યુ તંત્ર સાથે સંકલન કરીને ટેક્સ પેટેની રકમ મિલ્કત પર બોજો નાખીને વસુલ કરવાનો અભિગમ દાખવ્યો છે. જેના લીધે ટેક્સ નહીં ભરનાર મિલ્કતનું વેચાણ કરી શકે નહીં. ત્યારે આ કાર્યવાહીના ભાગરૂપે રાજકોટ આરટીઓ તંત્રે છેલ્લા 6 માસના સમયગાળામાં જિલ્લાભરના 1150 વાહનોને કુલ 20,59,17013 રૂ.ની નોટીસ ફટકારી છે. આ આંકડો રાજકોટ આરટીઓના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.
હવે આરટીઓ તંત્રે ફટકારેલી કુલ નોટિસો પૈકી 173 જેટલાં કેસોમાં ટેક્સ પેટેની રકમ ભરપાઈ કરી પણ દેવામાં આવી છે. 173 કેસો પેટે રૂ. 66,25,226ની માતબર રકમ આરટીઓ તંત્રે વસુલ કરી લીધેલ છે.
આરટીઓ તંત્ર દ્વારા ફટકારવામાં આવેલી રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ(આરઆરસી)ની જો વાત કરવામાં આવે તો કુલ 1150 વાહનોમાં 9 શૈક્ષણિક બસ, 105 ટેક્ષી પ્રકારના વાહનો, 156 મેક્સી, 12 બસ, 141 ગુડ્સ વ્હીકલ, 123 એક્સકવેટર અને 605 સ્પેશિયલ વ્હીકલનો સમાવેશ થાય છે.
આ તમામ વાહનોને ટેક્સ પેટે ફટકારવામાં આવેલી નોટીસમાં શૈક્ષણિક બસને કુલ 2,91,617 રૂપિયા પૈકી 2 કેસમાં 40,582ની રકમ વસુલ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ટેક્ષી વાહનોને રૂ. 4,68,48,401 ની નોટીસ પૈકી 7,21,356ની રકમ, મેક્સી વાહનોને 1,66,49,771 પૈકી 6,84,805ની રકમ, બસને રૂ. 10,39,79,729, ગુડ્સ વ્હીકલને 1,70,72,584 પૈકી 17,50,690ની રકમ, એક્સકેવેટરને 35,44,472 પૈકી 8,36,959 અને સ્પેશિયલ વ્હીકલને ફટકારવામાં આવેલી 1,61,48,656ની નોટીસ પૈકી 25,90,844ની રકમ એમ કુલ રૂ. 66,25,226ની રકમ વસુલ કરી લેવામાં આવી છે.
હવે આરટીઓની બાકી રકમ નહીં ચૂકવો તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે નાણાં ચૂકવવા પડશે!!
આરટીઓ દ્વારા ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો વિરુદ્ધ ધોકો પછાડવામાં આવ્યો છે. હવે જે વાહનમાલિકો દ્વારા ટેક્સની રકમ ભરપાઈ નહીં કરવામાં આવે તેને ટેક્સની રકમ પર 25% પેનલ્ટી સાથે ટેક્સ ચૂકવવો પડશે. આ ઉપરાંત જો ટેક્સની રકમ નોટીસ મળ્યે નહીં ભરવામાં આવે તો માસિક 1.5% વ્યાજ એટલે કે વાર્ષિક 18% વ્યાજ સાથેની રકમ ભરવી પડશે.
લ્યો કરો વાત… શિષ્તના પાઠ ભણાવતી શૈક્ષણિક સંસ્થાનોની જ 9 બસોનો વેરો બાકી
શિષ્ત અને અનુશાસનના પાઠ ભણાવી વિદ્યાર્થીને એક સારા નાગરિક બનાવવાની ફરજ અદા કરતી શૈક્ષણિક સંસ્થાનો જ નિયમોના ધજાગરા ઉડાવતી હોય તેમ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાનોની 9 બસો જ ટેક્સ ભર્યા વિના દોડતી હોય આરઆરસીની નોટીસ ફટકારી રૂ. 2,91,617ની રકમ ભરવા આદેશ આપવામાં આવ્યો છે. જો આ રકમની ભરપાઈ ન કરવામાં આવે તો શૈક્ષણિક સંસ્થાનો પર બોજો લાદવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ફકત 12 બસો પેટે આરટીઓને રૂ. 10.39 કરોડ લેવાના બાકી!!
જાહેર પરિવહન તરીકે ઉપયોગમાં લેવાતી અને પાટા પર દોડતી બસોને સૌથી વધુ રકમની નોટીસ આરટીઓ દ્વારા ફટકારવામાં આવી છે. આરટીઓ દ્વારા કુલ 1150 વાહનોને નોટીસ ફટકારવામાં આવી છે. જે પૈકી ફકત 12 બસના માલિકો પાસે જ અધધધ રૂ. 10,39,79,729 લેવાના બાકી છે. જે તમામને નોટીસ ફટકારવામાં આવી છે. જો કે, આ પૈકી કોઈએ હજુ સુધી ટેક્સની રકમ દંડ સાથે ભરપાઈ કરી નથી.