દેવુભા ચોક વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થતા ૭ લોકો દબાયા હતા, બેના મોત અને પાંચનો બચાવ થયો હતો: કોઈ દુર્ઘટના ઘટે તે પૂર્વે કડક કાર્યવાહી જરૂરી
જર્જરીત ઈમારતોના માલિકો સાથે તંત્ર રમે છે ‘નોટિસ-નોટિસ’: નોટિસમાં ઈમારતને તોડી પાડવા કે રીપેરીંગ કરવા ૭ દિવસનો સમય અપાઈ છે પરંતુ અમલવારીમાં ઘોર બેદરકારી
જામનગર: જામનગરમાં ૧૧૭ ઈમારતો જર્જરીત હાલતમાં હોય ભૂતકાળમાં ઘટેલી ઘટનાનું પૂનરાવર્તન થવાની ભીતિ સેવાઈ રહી છે સામે તંત્ર જર્જરીત ઈમારતોનાં માલિકો સાથે ‘નોટિસ-નોટિસ’ રમે છે આ રમત બંધ કરીને તંત્રએ કડક કાર્યવાહીની સખ્ત જરૂર છે હાલ મહાપાલિકા ઈમારતને તોડી પાડવા માટે કે રીપેરીંગ કરવા માટે ઓન રેકોર્ડ ૭ દિવસનો સમય અપાઈ છે પરંતુ તેની અમલવારીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે
જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં ૧૧૭ ઈમારતોને જર્જરીત ઘોસીત કરવામાં આવી છે આ તમામ ઈમારતોને નોટીસ ફટકારીને ૭ દિવસમાં રિપેરીંગ કામ કે તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. હાલ આ ઈમારતો શહેરીજનો ઉપર જોખમ વધારી રહી છે કારણ કે ભૂતકાળમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભા ચોક વિસ્તારમાં એક બે માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં ઘટેલી આ દુર્ઘટનામાં ૭ લોકો મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. જેમાંથી પાંચનો તો બચાવ થઈ ગયો હતો પરંતુ બે લોકોનો ભોગ લેવાયો હતો. આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હવે મહાપાલીકાએ કડક કાર્યવાહી હાથ ધરવી જરૂરી બને છે.
૨૭ અતિ જોખમી ઈમારતોમાં ૯નો થઈ રહ્યો છે ઉપયોગ!!
કુલ ૧૧૭ જર્જરીત ઈમારતોમાં ૨૭ જેટલી ઈમારતો અતિ જોખમી છે જેમાંથી ૧૮ બંધ હાલતમાં છે જયારે બાકીની ૯ ઈમારતોનો આજ દિવસ સુધી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૪૬ જેટલી ઈમારતો મધ્યમ જર્જરીત છે. જેમાંથી ૧૬ બંધ હાલતમાં છે અને ૩૦નો હાલ વપરાશ થઈ રહ્યો છે ૪૪ ઈમારતો સામાન્ય જર્જરીત છે. જેમાં ૧૧ બંધ છે અને ૩૩નો વપરાશ ચાલુ છે.
વેર હાઉસ, હાઉસીંગ બોર્ડ અને સશસ્ત્ર સીમાબળની હોસ્ટેલ પણ જર્જરીત
૧૧૭ જોખમી ઈમારતોમાં ૩ સરકારી ઈમારતોનો પણ સમાવેશ થાય છે જેમા બેડેશ્વર પાસે આવેલું વેર હાઉસનું બીલ્ડીંગ, રણજીતનગર હાઉસીંગ બોર્ડનું બીલ્ડીંગ અને બેડેશ્વરમાં આવેલ સશસ્ત્ર સીમા બળની હોસ્ટેલ પણ જર્જરીત ઈમારત જાહેર કરાય છે.