- કચ્છના દરિયામાં પેટ્રોલિંગ સઘન બનતા ડ્રગ્સ પેડલરોએ વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા અને પોરબંદરનો દરિયા કિનારે સપ્લાય શરૂ કરી
- ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર એસપીએ એસઓજીની દસ જેટલી ટીમ બનાવી મરીન પોલીસ સ્ટાફ સાથે દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરાવ્યું
- સૌરાષ્ટ-કચ્છના વિશાળ સમુદ્ર તટ રક્ષક દળનું પેટ્રોલીંગ સઘન બનાવવું જરૂરી
સૌરાષ્ટ્ર-કચ્છના વિશાળ સમુદ્રનો ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયુ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના દરિયામાંથી મોટી માત્રામાં ચરસ સુરક્ષા એજન્સીએ ઝડપી લેતા ડ્રગ્સ પેડલરોએ માર્ગ બદલી પોરબંદર, વેરાળવ, માંગરોળ અને સુત્રાપાડાના સમુદ્ર કિનારે ચરસના પેકેટની સપ્લાય કરી હોય તેમ છેલ્લા બે દિવસ દરમિયાન પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસે બે દિવસ પહેલાં 160 પેકેટ ચરસના શોધી કાઢી દરિયામાં પેટ્રોલિંગ જારી રાખ્યું હતું. ત્રણેય જિલ્લાના એસઓજી અને મરીન પોલીસે વધુ 113 પેકેટ ચસરના શોધી કાઢ્યા છે.
માધવપુર, માંગરોળ, વેરાવળ અને સુત્રાપાડાના સાગર કિનારેથી !ક કિલોના એક એવા 160 પેકેટ ચરસના પાવડર સાથે મળી આવ્યા હતા. પેકેટ કોફિનમાં પેક કરી બાચકું તૈયાર કર્યુ હતુ. બાચકા પર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લખ્યું હોવાનું પોલીસ તપાસ દરમિયાન જોવા મળ્યું હતુ. પોલીસે કબ્જે કરેલા માદક પદાર્થનું લેબોરેટરી પૃથ્થકરણ કરવાતા ચરસ અને હસીસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
વિદેશ સ્થિત ડ્રગ્સ પેડલરોએ દરિયાઇ માર્ગ બદલતા ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા, જૂનાગઢ એસ.પી. રવિ તેજા વરસ સેટ્ટી અને પોરબંદર એસ.પી. રવિ મોહન સૈનીએ એસઓજીની ટીમને મરીન સ્ટાફ સાથે દરિયામાં પેટ્રોલિંગ સઘન બનાવવા આપેલી સુચનાના પગલે સુત્રાપાડાના દરિયાય વિસ્તારમાંથી વધુ 113 જેટલા માદક પર્દાથના પેકેટ મળી આવ્યા છે.
તાજેતરમાં પોરબંદર દરિયામાં ઇરાનની શંકાસ્પદ બોટ મળી આવી હતી તેમાં ચરસનો જંગી જથ્થો આવ્યો હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. બીજી તરફ કચ્છમાં ચરસના દસ પેકેટ સાથે પાકિસ્તાનની એક બોટ મળી આવી હતી. પાકિસ્તાન ડ્રગ્સ માફિયાઓએ કચ્છમાં ઇરાદા પૂર્વક દસ પેકેટ સુરક્ષા એજન્સીમાં પકડાઇ સુરક્ષા એજન્સી કચ્છમાં વ્યસ્ત રહે તે દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં ચરસનો જથ્થો ઘુસાડવાનું કાવતરૂ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
કરોડોની કિંમતના ચરસનો વધુ મળી આવશે તેવી શંકા સાથે જુદી જુદી સુરક્ષા એજન્સી દ્વારા દરિયામાં પેટ્રોલીંગ જારી રાખ્યું છે. ચરસનો જથ્થો દરિયામાં ફેંકવા પાછળ પોલીસની ભીસ છે કે સ્થાનિક શખ્સો માછીમારીના બહાવે ચરસનો જથ્થો દરિયામાંથી મેળવી સગેવગે કરી રહ્યા છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.