વિકાસના તમામ ક્ષેત્રે પાણીદાર રાજકોટ ખરેખર પાણી પ્રશ્ર્ને સંપૂર્ણપણે નપાણીયુ છે. શહેરનો વિસ્તાર અને વસતી સતત વધી રહી છે. જેની સામે પાણીના હયાત સ્ત્રોતમાં વધારો ન થવાના કારણે પાણી માટે નર્મદાના નીર પર નિર્ભર છે. પાણીના પૈસા ચૂકવવામાં કોર્પોરેશન અસમર્થ હોવાના કારણે રાજકોટવાસીઓ પર પાણીનું 1120 કરોડનું દેવું છે. દેવાનો ડુંગર સતત વધી રહ્યો છે. સરકાર માય-બાપ બની મોટું મન રાખે છે. અબજો રૂપીયાનું દેવું હોવા છતા રાજકોટને અપાતા પાણીમાં કોઇ કાંપ મૂકવામાં આવતો નથી. જેના કારણે શહેરીજનોને નિયમિત 20 મિનિટ નળ વાટે પીવાનું પાણી મળી રહ્યું છે.
મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા વર્ષ-2023/2024નું બજેટ તૈયાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં વોટર વર્ક્સ શાખા દ્વારા તાજેતરમાં કમિશનર સમક્ષ પાણીના દેવાનો વિસ્તૃત રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. જે માત્ર પદાધિકારીઓ કે અધિકારીઓ જ નહીં એક-એક રાજકોટવાસીઓની આંખ પહોળી કરી નાંખે તેવો તોતીંગ આંકડો છે. એક-એક રાજકોટવાસીઓ પર આશરે 7500 રૂપીયાનું દેવુ તો માત્રને માત્ર પાણીનું છે.
સિંચાઇ વિભાગ કોર્પોરેશન પાસે આજી-1 ડેમમાંથી પાણીના ઉપાડ માટે રૂા.218,25,63,748/- માંગે છે. જ્યારે ભાદર-1 ડેમમાંથી પાણીના ઉપાડ માટે રૂા.789969682/- અને ન્યારી ડેમમાંથી પાણીના ઉપાડ માટે રૂા.70,526,538/- માંગે છે. સિંચાઇ વિભાગનું કુલ લેણુ રૂા.3043059968/- છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ (જીડબલ્યૂઆઇએલ) ખંભાળા હેડ વર્ક્સ ખાતે રાજકોટને નર્મદાના નીર આપવા બદલ રૂા.6897193219/- માંગે છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વોર્ડ (જીડબલ્યૂએસએસબી) કોઠારિયા ખાતે પાણી આપવા રૂા.24,041,452/- વાવડી ખાતે પાણી આપવા પેટે રૂા.3683122/- મુંજકા ખાતે પાણી આપવા માટે રૂા.140316/- મોટા મવા ખાતે પાણી આપવા પેટે રૂા.2345316 સહિત કુલ રૂા.3,02,10,206/- નું માંગણુ ધરાવે છે.
સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી અને ન્યારી ડેમ ખાતે વર્ષમાં બે વખત નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવે છે. જે પૈકી આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવા બદલ રૂા.986532000/- અને ન્યારી-1 ડેમમાં નર્મદાના જળ ઠાલવવા પેટે રૂા.246430350/- માંગે છે. સૌનીનું દેવું રૂા.1232962350/- છે. રાજકોટ મહાનગર પાલિકા પર પાણીનું જ રૂા.1120/- કરોડનું દેવું છે. જે વાર્ષિક બજેટના 50 ટકા જેટલું છે.
એક હજાર લીટર પાણીનો સિંચાઇ વિભાગનો ભાવ રૂ.4.18, નર્મદાના નીર રૂ.6 માં મળે છે
રાજકોટને રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ બે રિતે નર્મદાના નીર આપવામાં આવે છે. જેમાં પાઇપલાઇન થકી રોજ કરાર મુજબ જળ જથ્થો ફાળવવામાં આવે છે. જ્યારે માંગણી મુજબ સૌની યોજના અંતર્ગત એક સામટો જથ્થો ડેમમાં ઠાલવી દેવામાં આવે છે. નર્મદાના નીરના પ્રતિ હજાર લીટર પાણીના 6 રૂપીયા વસૂલવામાં આવે છે. જેની સામે સિંચાઇ વિભાગ પ્રતિ એક કિલો લીટર અર્થાત્ એક હજાર લીટર જળના રૂા.4.18 વસૂલ કરવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ ચારેય વિભાગો દ્વારા પાણીના બીલ ચોક્કસ મોકલવામાં આવે છે પરંતુ કોર્પોરેશનની આર્થિક સ્થિતિ એવી નથી કે તે પાણીના પૈસા પણ ચૂકવી શકે.
વાર્ષિક બજેટના 50% તો પાણીના દેવાનો ડુંગર
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2022/23નું કુલ 2334 કરોડ રૂપીયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. વાસ્તવિક બજેટનો આંક માંડ 1400 કરોડની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. છતાં મુળ બજેટને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો વાર્ષિક અંદાજપત્રના 50 ટકા આસપાસ તો માત્રને માત્ર પાણીનું દેવુ છે.
નવા જળસ્ત્રોત નહીં શોધવામાં આવે તો વિકાસ “પાણીમાં”
રાજકોટની વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની આસપાસના ગામો પણ મહાનગરપાલિકાની હદમાં ભળી રહ્યાં છે. વસતી બમણાથી પણ વધી જવા છતા જળસ્ત્રોત યથાવત છે. એકમાત્ર ન્યારી-1 ડેમની ઉંચાઇમાં વધારો કરી ભવિષ્યનું નાનુ-સુનુ આયોજન કોર્પોરેશન દ્વારા કરાયુ છે. હવે જો નજીકના ભવિષ્યમાં રાજકોટની આસપાસ મોટો ડેમ બનાવવા માટે ગંભીરતાથી પ્રયાસો હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં રાજકોટના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણા પાણીમાં ખર્ચાય જશે. હજી સમય છે માત્ર વાતો નહીં પરંતુ જળસ્ત્રોત શોધવા ગંભીરતાથી કામ કરવું પડશે.