આગામી તા. ૬ઠ્ઠી જાન્યુઆરીના પોલીસમાં લોક રક્ષક દળ (એસઆરડી) ની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક દરે જામનગર-દ્વારકા જિલ્લામાંથી પરીક્ષા સ્થળ રાજકોટ સુધી લઈ જવામાં આવશે.

જે અન્વયે એસ.ટી. વિભાગની ૧રર બસો મારફત ૩૦૦ ટ્રીપ કરવામાં આવે તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ કામગીરી માટે જામનગરમાં કંટ્રોલ રૃમ શરૃ કરવામાં આવ્યો છે.ગત્ બીજી ડિસેમ્બરના એલ.આર.ડી. ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાઈ હતી, પરંતુ પેપર લીક થતાં આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.

આથી મુલત્વી રાખેલ પરીક્ષા હવે આગામી તા. ૬.૧.ર૦૧૯ ના પુન: આયોજીત કરવામાં આવ્યું છે. પરીક્ષા રદ થયા પછી સરકારે જાહેર કર્યું હતું કે હવે બીજી વખત વિદ્યાર્થીઓને ભાડા ખર્ચ કરવો પડશે નહીં, પરંતુ એસ.ટી. બસમાં તમામ પરીક્ષાર્થીઓને મફતમાં પરીક્ષા સ્થળ સુધી લઈ જવામાં આવશે. જેના અનુસંધાને રાજ્ય સરકારના એસ.ટી. વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

જામનગરના એસ.ટી. વિભાગના ડિવિઝનલ કંટ્રોલરના જણાવ્યા પ્રમાણે જામનગર જિલ્લામાંથી કુલ ૮ર બસો દ્વારા ૧૧ર ટ્રીપ જામનગર-રાજકોટ વચ્ચે કરવામાં આવશે જેમાં તારીખ પ.૧.ર૦૧૯ ના સવારે ૯ થી ૧ર અને તા. ૬ ના સવારે ૧૦ વાગ્યે.

ઉપરાંત ભાણવડથી પોરબંદર માટે (પોરબંદર એસ.ટી. ડિવિઝન) માંથી ૧૦ બસની રપ ટ્રીપ કરવામાં આવશે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૩૦ બસની ૬૩ ટ્રીપ કરવામાં આવશે.

જેમાં તાલુકા પ્રમાણે જોઈએ તો ધ્રોળથી રાજકોટ વચ્ચે ૧૦ બસ અને ર૦ ટ્રીપ, જોડિયાથી પાંચ બસની દસ ટ્રીપ, જામજોધપુરથી રાજકોટ માટે ૬ બસ અને ૧પ ટ્રીપ, ભાણવડથી પોરબંદર માટે ૧૦ બસ અને રપ ટ્રીપ, કલ્યાણપુરથી ૧૧ બસ  દ્વારા રપ ટ્રીપ, ઓખાથી ચાર બસની ૮ ટ્રીપ અને ખંભાળિયાથી ૧પ બસની ૩૦ ટ્રીપ કરાવવામાં આવનાર છે.

તા. પ.૧.ર૦૧૯ થી તા. ૬.૧.ર૦૧૯ સુધી આ બસ દોડાવાશે અને પરીક્ષા પૂર્ણ થયા પછી રાત્રે ૧ર વાગ્યા સુધી વિદ્યાર્થી તેનો ઉપયોગ કરી શકશે. આ બસમાં મફત મુસાફરી કરવા માટે પરીક્ષાર્થીએ કોલ લેટર દર્શાવી મફત મુસાફરી પાસ મેળવવાનો રહેશે. આ માટે ગઈકાલથી એડવાન્સ બુકીંગ શરૃ થઈ ચૂક્યું છે. કોલ લેટર સાથે ફોટો આઈડી પ્રૂફ બતાવવું ફરજિયાત છે. એડવાન્સ બુકીંગ કરાવેલ હોય તો ચાલુ મુસાફરી દરમિયાન પણ આધાર પુરાવા રજૂ કરીને મુસાફરી કરી શકાશે. એસી વોલ્વો બસમાં મફત મુસાફરીની સુવિધા મળશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.